માલિકને આઇ લવ યુ કહેતા આ ભૂંડે નોંધાવ્યો સૌથી વધુ ફૉલોઅર્સનો રેકૉર્ડ

02 April, 2026 03:31 PM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

માલિકને આઇ લવ યુ કહેતા આ ભૂંડે નોંધાવ્યો સૌથી વધુ ફૉલોઅર્સનો રેકૉર્ડ

જો એની માલિકણ મીના માને નહીં તો ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ ચોક્કસ બટન દબાવે છે અને વહાલ ઊભરાય ત્યારે આઇ લવ યુના બટનને જોરજોરથી ઘસી નાખે છે. 

અમેરિકાના સેક્રામેન્ટો શહેરમાં રહેલું મિનિએચર વિયેતાનમીઝ પૉટબેલીડ પિગ આજકાલ ચર્ચામાં છે. એનું નામ છે મર્લિન. આ પિગ એટલે કે ભૂંડભાઈનો શોખ છે માલિક સાથે વાત કરવાનો. માલિકે મર્લિનના નામનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે. એના ૧૧ લાખથી વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે. ૪ વર્ષ પહેલાં જ્યારે મર્લિન માત્ર ૩ મહિનાનું હતું ત્યારથી એની માલિકણ મીના અલાલીએ એને ટ્રેઇનિંગ આપવાની શરૂ કરી હતી અને હવે ઇન્ટાગ્રામ પર બોલતા ભૂંડ તરીકે મર્લિન ફેમસ થઈ ગયું છે. શું ખરેખર મર્લિન બોલી શકે છે? ના, એ અજાયબી હજી નથી સર્જાઈ. મીનાએ મર્લિનને પોતાના મનની વાત કમ્યુનિકેટ કરી શકાય એ માટે એક સિસ્ટમ બનાવી આપી છે. તેણે ઘરમાં અલગ-અલગ રંગનાં પચીસથી ત્રીસ બટન લગાવેલાં છે. આ દરેક બટનમાં એક બાળકના અવાજમાં કેટલાંક વાક્યો રેકૉર્ડ થયેલાં છે. મર્લિન એ બટન પર એનું નાક ઘસે એટલે રેકૉર્ડ થયેલું વાક્ય બોલાય. બટન્સ થકી યસ, નો, આઇ ઍમ હન્ગ્રી, આઇ લવ યુ, આઇ ઍમ મૅડ, આઉટસાઇડ, ફૂડ એમ અલગ-અલગ વાક્યો બોલાય છે. બટન દબાવીને મર્લિન ક્યારેક ખાવાનું માગે છે તો ક્યારેક બહાર જવાની જીદ કરે છે. જો એની માલિકણ મીના માને નહીં તો ગુસ્સો વ્યક્ત કરવા માટે પણ ચોક્કસ બટન દબાવે છે અને વહાલ ઊભરાય ત્યારે આઇ લવ યુના બટનને જોરજોરથી ઘસી નાખે છે. 

offbeat news united states of america wildlife social media