08 August, 2025 09:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
માર્લે અને સ્ટીવ લાર્સન
અમેરિકામાં એક યુગલે પોતાનાં લગ્નના પ્રસંગને ઉજવણીની સાથે-સાથે ફન્ડ રેઝિંગ કાર્યક્રમનું સ્વરૂપ આપી દીધું હતું. તેમણે આમંત્રિત મહેમાનોને બે ચૉઇસ આપી હતી. બે પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપવા બદલ અલગ-અલગ ટિકિટ ખરીદવાની હતી. નવાઈની વાત એ છે કે એમ છતાં સેંકડો લોકો એ ટિકિટ ખરીદીને લગ્નમાં હાજર રહ્યા હતા.
પીપલ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ અમેરિકન કપલે ટિકિટ વેચીને ૧૩૨,૫૫૦ ડૉલર એટલે કે લગભગ ૧.૧ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ઇવેન્ટ્સ આયોજિત કરવાનો બિઝનેસ કરતા ૩૨ વર્ષની માર્લે જૅક્સ અને ૩૭ સ્ટીવ લાર્સનને પોતાનાં લગ્નને પણ એક ઇવેન્ટની જેમ જ યોજ્યાં હતાં. તેમણે પોતાનાં સગાં અને ખૂબ જ નજીકના મિત્રોને એમ જ લગ્નમાં આમંત્રણ આપ્યું હતું, પરંતુ અમુક ક્લાયન્ટ્સ અને સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સ માટે ટિકિટ થકી ઇન્વાઇટ મોકલાવ્યું હતું. ટિકિટ પણ બે પ્રકારની હતી. એક બેસિક ટિકિટ ૫૭ ડૉલરની હતી જેમાં લગ્ન અને રિસેપ્શનમાં હાજરી સામેલ હતી. બીજી હતી વૅરી ઇમ્પોર્ટન્ટ પર્સન VIP ટિકિટ. એમાં ૯૯૭ ડૉલરમાં કપલ એન્ટ્રી હતી. આ ટિકિટમાં લગ્ન અને રિસેપ્શનની બેસિક ટિકિટના લાભ ઉપરાંત લગ્નના એક દિવસ પહેલાંના રિહર્સલની સાથે ડિનર, બીજા દિવસનું બ્રન્ચ, લગ્ન પછીની ઇવેન્ટમાં બ્રૅન્ડ પ્રોફાઇલ રજૂ કરવાની તક અને બેસવામાં આગળની સીટ જેવા બેનિફિટ્સ પણ હતા. આ યુગલે ૧૦૦થી વધુ બેસિક ટિકિટ અને ૩૦ VIP ટિકિટ વેચી હતી. મહેમાનોના જ પૈસે તેમને લક્ઝરી ફૂડ પીરસવામાં આવ્યું, મ્યુઝિક અને લાઇવ DJ પણ હતું.
ટૂંકમાં પોતાનાં જ લગ્નની ઇવેન્ટમાં ખર્ચો બાદ કરતાં માર્લે અને સ્ટીવ લાર્સને નફો કમાવા માટે આ ટિકિટ નહોતી રાખી. તેમણે નફાની તમામ રકમ કેનિયાની એક સ્કૂલના રિનોવેશન માટે વાપરવાનું નક્કી કર્યું છે. વિલેજ ઇમ્પૅક્ટ નામની સંસ્થા થકી સ્કૂલનું રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે.