30 May, 2025 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નની આદર્શ ઉંમર કઈ? એ સવાલનો જે જવાબ આપ્યો છે એ કાબિલેદાદ છે
સામાન્ય રીતે લગ્ન કરવાની આદર્શ ઉંમર કઈ? એ વિશે બહુ ચર્ચાઓ થતી આવી છે. જોકે જ્યારે આ સવાલ પરીક્ષામાં પૂછવામાં આવે છે ત્યારે લોકો મોટા ભાગે કાનૂની ધોરણે જે વયમર્યાદા હોય એને જ યાદ કરતા હોય છે. જોકે ઇન્ટરનેટ પર એક વિદ્યાર્થીએ ‘લગ્નની આદર્શ ઉંમર કઈ?’ એ સવાલનો જે જવાબ આપ્યો છે એ કાબિલેદાદ છે. ભલે તેને આ જવાબ માટે શૂન્ય માર્ક મળ્યા હોય, પણ જવાબ વિચારતા કરી દે એવો જરૂર છે. વિદ્યાર્થીએ માત્ર શારીરિક જ નહીં; સામાજિક, કાનૂની, સાંસ્કૃતિક, અર્થશાસ્ત્રીય એમ અનેક દૃષ્ટિકોણથી લગ્નની આદર્શ ઉંમર મૂલવી છે. સ્ટુડન્ટે લખ્યું હતું કે ‘બાયોલૉજી મુજબ ૧૫ વર્ષ, સામાજિક રીતે ૨૬ વર્ષ, કાનૂની દૃષ્ટિકોણથી ૧૮ વર્ષ પછી, કલ્ચરલ દૃષ્ટિકોણથી ૨૪થી ૨૮ વચ્ચે, આર્થિક દૃષ્ટિકોણથી ૩૦ વર્ષથી વધુ અને વફાદારીના દૃષ્ટિકોણથી ક્યારેય લગ્ન કરવાં જ ન જોઈએ.’ આ જવાબ માત્ર યુનિક અને ક્રીએટિવ જ નહીં, લૉજિકલી સચોટ પણ છે. આજની લગ્નવ્યવસ્થા અને રિલેશનશિપના સ્ટેટસનું દર્પણ એમાં છે. નવાઈની વાત એ છે કે ટીચરે આ જવાબો માટે શૂન્ય માર્ક આપ્યો હતો, પણ સોશ્યલ મીડિયા પર અનેક લોકોને આ વાત ખૂબ સાચી લાગી રહી છે.