લો, હવે કરાવો લગ્ન

11 March, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેરન્ટ્સ લગ્ન માટે બહુ દબાણ કરી રહ્યા હતા એટલે યુવતીએ માથું મૂંડાવીને કહ્યું...

સોશ્યલ મીડિયા પર લગ્ન ટાળવાનો યુવતીનો આ નુસખો ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

વીસ-પચીસ વર્ષની કોઈ યુવતીએ જો લગ્ન ન કર્યાં હોય તો સમાજ તેનું માથું ફોલી ખાય છે. પેરન્ટ્સને ચિંતા રહે છે કે ક્યાંક તેમની દીકરી અપરિણીત રહી ન જાય. એને કારણે કોઈ પણ સોશ્યલ ફંક્શનમાં યુવતી જાય એટલે તરત પૂછવામાં આવે કે લગ્ન ક્યારે કરશો? સોશ્યલ મીડિયા પર એક યુવતીએ પોતાના પર થતા લગ્નના દબાણની આપવીતી રજૂ કરી હતી. તેણે કહ્યું હતું કે કોઈ પણ સંબંધી મળે તો હરી-ફરીને વાત છોકરા જોવા પર અને લગ્ન કરી લેવા પર જ આવતી હતી. આ વિડિયો શૂટ કરતી વખતે પહેલાં તે માથા પર મફલર પહેરીને દેખાઈ હતી. પેરન્ટ્સ પણ બહુ જ દબાણ કરતા હતા. લગ્ન કરી લેવાનું દબાણ એ હદે વધી ગયું હતું કે મારે તેમને થોડાક સમય માટે ચૂપ કરી દેવા હતા. તેણે લગ્નના દબાણને ટાળવા અને મજબૂત સંદેશ આપવા માટે એક આત્યંતિક લાગી શકે એવું પગલું ભર્યું હતું. એ પગલું શું હતું એ તેણે પોતાનું મફલર કાઢીને બતાવ્યું. તેણે પોતાનું માથું જ મૂંડાવી નાખ્યું. તે યુવતી કહે છે કે મારા વાળ ખૂબ લાંબા અને સરસ હતા, પરંતુ મારી જિંદગીના નિર્ણયો જાતે લેવા માટેની આઝાદી મળે એ માટે મેં એનો ત્યાગ કર્યો. 

છોકરી તો લાંબા વાળવાળી જ હોય, ટકલી થોડી હોય? સમાજના આ છોછથી પીડાતા લોકો માટે આ યુવતીનું આ પગલું મોટો ઝટકો હતો. યુવતીએ લગ્ન માટે દબાણ કરતા વડીલોને ઝટકો આપીને સવાલ કર્યો છે કે લો, હવે કરાવો મારાં લગ્ન’.

સોશ્યલ મીડિયા પર લગ્ન ટાળવાનો યુવતીનો આ નુસખો ખૂબ જ લોકપ્રિય બન્યો છે.

offbeat news national news india social media