10 October, 2025 12:41 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent
લેન્ટ ફેસ્ટિવલ
આપણે ત્યાં ચોમાસું બેસે એટલે ધાર્મિક ઉત્સવો શરૂ થાય છે; ઉપવાસ, તપ અને ફેસ્ટિવલ્સની ઉજવણી થાય છે. ૪ મહિનાના આ ગાળાનો અંત થાય એટલે ઉપવાસ અને તપની પણ સીઝન પૂરી થાય. આવું જ કંઈક થાઇલૅન્ડમાં ૩ મહિના માટે થાય છે. થાઇલૅન્ડમાં મૂળે બૌદ્ધ ધર્મ પળાય છે અને અહીં બૌદ્ધિષ્ઠ લેન્ટ ફેસ્ટિવલ શરૂ થાય છે જે યોગાનુયોગ વરસાદની સીઝન સાથે જોડાયેલો છે. આ દિવસો દરમ્યાન તપ, સાધના, મેડિટેશનનું અનેરું મહત્ત્વ છે. ગઈ કાલે થાઇલૅન્ડમાં આ લેન્ટ ફેસ્ટિવલનો અંત હતો. આ ફેસ્ટિવલની સાથે-સાથે વરસાદ પણ વિદાય લે છે એટલે લેન્ટ ફેસ્ટિવલની વિદાયને હિન્દુ ધર્મના ચાતુર્માસ સાથે સરખાવવામાં આવે છે. લેન્ટ ફેસ્ટિવલની વિદાયને રંગીને ફ્લોટ્સ બનાવીને એનું સરઘસ શહેરના રસ્તાઓ પર કાઢીને ઊજવવામાં આવે છે.
પ્રકાશના કલાપર્વને જર્મનીમાં ૧૦ વર્ષ થયાં
જર્મનીમાં છેલ્લાં દસેક વર્ષથી પ્રકાશપર્વ ઊજવાય છે. બેસિકલી આ ફેસ્ટિવલમાં જાયન્ટ સાઇઝનાં એવાં કળાત્મક શિલ્પો તૈયાર કરવામાં આવે છે જે વિવિધ રંગના પ્રકાશથી ઝળહળતાં હોય છે. દસેક દિવસ માટે ચાલતા આ પ્રકાશપર્વમાં આ વર્ષે ૧૭ ઇન્સ્ટૉલેશન્સ લગાવવામાં આવ્યાં છે. સાંજે છ-સાત વાગ્યાથી શરૂ થતો આ ફેસ્ટિવલ રાતના દસથી ૧૧ વાગ્યા સુધી ચાલે છે. દરેક ઇન્સ્ટૉલેશન એક અલગ સ્ટોરીનું નિદર્શન કરે છે એટલે એની સાથે સાઉન્ડ ઍન્ડ લાઇટ શોની જેમ કૉમેન્ટરી પણ સાંભળવા મળે છે.