ચીનમાં સ્ટ્રીટલાઇટને ભેટવાની ચૅલેન્જ વાઇરલ

25 April, 2026 01:47 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

દેખાવમાં બહુ જ સરળ લાગતી અને ફસાયેલા લોકોને જોતાં ફની લાગતી આ પરિસ્થિતિ ફસાયેલા લોકો માટે બહુ કપરી થઈ જાય છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ચીનમાં નિતનવાં ગતકડાં ચાલતાં રહે છે. હાલમાં ચીનમાં લૅમ્પ-પોસ્ટ ચૅલેન્જ વાઇરલ થઈ છે. એમાં લોકો સ્ટ્રીટલાઇટના થાંભલા પર પગ ક્રૉસ કરીને ચડે છે અને પછી ક્રૉસ કરેલા પગ સાથે જ નીચે બેસી જાય છે. એક વાર બેસી ગયા પછી પગ એવી રીતે ક્રૉસ થઈ ગયેલા હોય છે કે તેઓ ચાહે તોય પોતાના પગની આંટી છોડી નથી શકતા. દેખાવમાં બહુ જ સરળ લાગતી અને ફસાયેલા લોકોને જોતાં ફની લાગતી આ પરિસ્થિતિ ફસાયેલા લોકો માટે બહુ કપરી થઈ જાય છે. ચીનમાં આ ટ્રેન્ડ એટલો ફૂલ્યોફાલ્યો છે કે લોકો જ્યાં ને ત્યાં આ ચૅલૅન્જ ઉપાડી લે છે અને રોડની કિનારીએ આવેલા સ્ટ્રીટલાઇટના થાંભલે વળગી પડે છે. જોકે જે લોકો થાંભલાને આંટી મારીને બેસી જાય છે તેઓ પાછા જાતે ઊભા નથી થઈ શકતા. એને કારણે પોલીસ અને ફાયર-બિગ્રેડને ફોન લગાવે છે. આમ તો આ ચૅલૅન્જ મૂળે થાંભલાને પગ ક્રૉસ કરીને ચીપકવાની હતી. જોકે પગની આંટી મારીને થાંભલે વળગી જવાનું તો સરળ હતું, પરંતુ એમાંથી નીકળવાનું ચૅલેન્જિંગ હતું. એને કારણે લૅમ્પ-પોસ્ટ ચૅલેન્જમાં સેલ્ફ-રેસ્ક્યુની શરત પણ મૂકવામાં આવી. જેમણે પણ આ ચૅલેન્જ એકલપંડે ઉપાડી લીધી તેઓ ફસાઈ ગયા હતા. ચીનના જિઆંગ્સુ પ્રાતમાં સૉન્ગ નામની એક મહિલા રાતે જમ્યા પછી ટહેલવા નીકળી હતી. સોશ્યલ મીડિયા પર ચાલતા આ ટ્રેન્ડને અનુસરવાના વિચારથી તે વૉકવેની સાઇડમાં આવેલા થાંભલે પગની આંટી મારીને બેસી ગઈ. જોકે એ પછી તેના પગ એવા ફસાઈ ગયા કે એમાંથી નીકળવાનું મુશ્કેલ બની ગયું. તે જેટલો પગ ખોલવાનો પ્રયત્ન કરતી એટલી વધુ ફસાતી ગઈ. આખરે તેણે પોલીસને બોલાવવી પડી. સૉન્ગબહેન જેવા અનેક કિસ્સા ચીનમાં બની રહ્યા છે. અનેક લોકો આ ટ્રેન્ડમાં જોડાય છે અને બહુ જૂજ લોકો આંટી ખોલીને જાતે ઊભા થવામાં સફળ નીવડે છે. બાકીના લોકો ફસાઈને તમાશાનો ભોગ બને છે. તેઓ પોલીસ અને આસપાસના રાહદારીઓની મદદથી માંડ નીકળી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ રીતે પગને ટ્વિસ્ટ કરવા એ શરીર માટે પણ નુકસાનકારક બની શકે છે. 

china offbeat news international news world news news