07 December, 2024 05:44 PM IST | Spain | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે સૌ સ્માર્ટફોનના ફાયદા કરતાં ગેરફાયદા વિશે જાણીએ છીએ. કોરોનામાં સ્કૂલ ફ્રૉમ હોમને કારણે અનેક બાળકોને ફોનનું વળગણ થઈ ગયું છે. બાળકથી માંડીને વૃદ્ધ લોકોને સ્માર્ટફોનની લત લાગી છે. એને કારણે નીંદર, માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે અને હવે તો વ્યક્તિગત સંબંધોને પણ અસર થઈ રહી છે. આ કારણે સ્પેનની સરકારે સ્માર્ટફોનની લતને સાર્વજનિક સ્વાસ્થ્ય મહામારી ગણાવી છે અને હવેથી દેશમાં જેટલા પણ ફોન વેચાશે એમાં સિગારેટના પૅકેટ પર હોય છે એવી ચેતવણી ફરજિયાત મૂકવી પડશે. વધુપડતા સ્ક્રીન-ટાઇમનાં જોખમો વિશે જાગૃતિ વધારવા અને સાવચેતીથી ઉપયોગ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઑસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી વયનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો, એ પછી સ્પૅનિશ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. સ્પેનમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટૉક અને સ્નૅપચૅટ જેવાં પ્લૅટફૉર્મને ૧૬ વર્ષથી નાની વયનાં બાળકોના અકાઉન્ટ ન ખોલવા વિશેનો કાયદો ગયા અઠવાડિયે સંસદમાં લવાયો હતો અને મંજૂરી મળ્યા પછી હવે ૨૦૨૫ની શરૂઆતમાં આ કાયદો લાગુ કરાશે. સ્પૅનિશ સરકારે નિયુક્ત કરેલા નિષ્ણાતોની એક સમિતિએ ૨૫૦ પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો છે એમાં આ ચેતવણીનો ઉલ્લેખ છે.