પૅરૅશૂટ વિમાનની વિન્ગમાં ફસાઈ ગઈ, સ્કાય-ડાઇવરે દોરીઓ કાપી નાખી ત્યારે છૂટો પડ્યો, છતાં બચી ગયો

13 December, 2025 01:48 PM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

આ ઘટના ૩૦ સપ્ટેમ્બરે બની હતી, પરંતુ આ ઘટનાનો વિડિયો તાજેતરમાં ટ્રાન્સપોર્ટ સેફ્ટી એજન્સીએ બહાર પાડ્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં ૧૫,૦૦૦ ફુટની ઊંચાઈએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ૩૦ સપ્ટેમ્બરે બની હતી, પરંતુ આ ઘટનાનો વિડિયો તાજેતરમાં ટ્રાન્સપોર્ટ સેફ્ટી એજન્સીએ બહાર પાડ્યો હતો. સ્કાય-ડાઇવિંગ દરમ્યાન કેવા-કેવા હાદસા થઈ શકે છે એ આમાં જોઈ શકાય છે. પ્લેનમાંથી અન્ય સ્કાય-ડાઇવરો કૂદકો મારી શકે એ માટે એક સ્કાય-ડાઇવર દરવાજો ખોલીને સાઇડમાં ઊભો હોય છે, પરંતુ તેનો પગ લપસી જતાં તેની દિશા થોડી ફંટાઈ જાય છે. તેની ઇમર્જન્સી પૅરૅશૂટ ખૂલી જાય છે અને વિન્ગમાં ફસાઈ જાય છે. ડાઇવર ક્યાંય સુધી વિન્ગ પર લટકેલો રહે છે. સામાન્ય રીતે પૅરૅશૂટની સાથે ૧૧ દોરીઓ બાંધેલી હોય છે. વિન્ગથી છૂટવાનો બીજો કોઈ રસ્તો ન દેખાતાં સ્કાય-ડાઇવર તેની બૅગમાં રાખેલી ખાસ હૂક નાઇફથી તમામ દોરીઓ કાપી નાખે છે ત્યારે જ તે છૂટો પડે છે. એ પછી તેની બૅગમાંની મેઇન પૅરૅશૂટ ખોલીને જમીન પર લૅન્ડ થાય છે ત્યારે તેને હળવી ઈજાઓ થઈ હતી. મિડ વેઝ ઍટ ધ બીચ નામના કાર્યક્રમમાં ૧૬ સ્કાય-ડાઇવરોએ ૧૫,૦૦૦ ફુટ ઊંચેથી એકબીજાનો હાથ પકડીને ચેઇન બનાવવાની હતી અને પછી પૅરૅશૂટ ખોલીને હવામાં તરવાનું હતું. જોકે જેવો પહેલો સ્કાય-ડાઇવર વિમાનની બહાર આવ્યો કે ગરબડ શરૂ થઈ ગઈ હતી. સ્કાય-ડાઇવર વિન્ગમાં ફસાતાં વિમાન પણ ડૅમેજ થયું હતું. એની ગતિ ઘટી જતાં પાઇલટે મે ડે કૉલ આપ્યો હતો અને એ વખતે તેને કન્ટ્રોલ-રૂમમાંથી ખબર પડી કે પાછળના પાંખિયા પર સ્કાય-ડાઇવર ફસાયો છે. પાઇલટને લાગ્યું હતું કે પ્લેન નીચે પડી જશે એટલે તેણે પ્લેનને કાબૂમાં રાખવા પર જ ફોકસ કરવું જરૂરી હતું. આ વિડિયો જોયા પછી દુનિયાના પ્રખ્યાત સ્કાય-ડાઇવરોનું પણ પહેલું રીઍક્શન હતું કે આવી ઘટનાઓ વિશે સાંભળ્યું છે પરંતુ કદી જોયું કે અનુભવ્યું નથી. 

australia queensland offbeat news international news world news