16 July, 2025 11:50 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડાં વર્ષ પહેલાં ‘ગબ્બર ઇઝ બૅક’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરો મૃત્યુ પામેલી વ્યક્તિની સારવાર કરતા હતા અને તેના પરિવાર પાસે બિલના રૂપિયા ભરવાનું કહેતા હતા. એ તો જોકે રીલ-લાઇફ હતી, પણ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાની એક હૉસ્પિટલમાંથી આવી રિયલ ઘટના બહાર આવી છે. અહીં એક શિશુની સારવારના નામે બાવીસ દિવસ સુધી પૈસા વસૂલવામાં આવ્યા અને અંતે ડૉક્ટરની અસંવેદનશીલતાને કારણે એક પરિવારે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે હૉસ્પિટલે મૃત્યુ પામેલા બાળકને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખ્યું હતું. શરૂઆતમાં શિશુની સારવાર આયુષ્માન કાર્ડથી શરૂ કરવામાં આવી હતી. બાળક બચી જાય એ માટે પરિવારની દોડધામ જોઈને હૉસ્પિટલે સારવાર માટે પરિવારને બે લાખ રૂપિયાનું બિલ પકડાવી દીધું હતું. શરૂઆતમાં આ પરિવારે બિલ ભરવા માટે જ્વેલરી વેચી દીધી હતી અને વધુ નાણાંની જરૂર પડતાં પોતાનાં ખેતર પણ ગીરવી મૂક્યાં હતાં. પરિવારે આ બાળકને બીજી હૉસ્પિટલમાં લઈ જવાનો આગ્રહ કર્યો હતો, પણ હૉસ્પિટલે એમ કરવાની ના પાડી દીધી હતી. બાવીસ દિવસની સારવાર બાદ પરિવારને મૃત્યુ પામેલું બાળક સોંપવામાં આવ્યું હતું.