12 June, 2023 12:12 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
વૈજ્ઞાનિકોએ માણસની જેમ પરસેવો પાડતું,ધ્રુજારી અનુભવતું મૅનિકિન
વધતી ગરમીને કારણે ઘણી બધી સમસ્યા સર્જાય છે. વૈજ્ઞાનિકોએ પહેલી વખત ચાલતું મૅનિકિન બનાવ્યું છે, જે ગરમી ઉત્પન્ન કરે છે, ધ્રુજારી અનુભવે છે, ચાલી શકે છે અને શ્વાસ પણ લે છે. એને કારણે હીટવેવ દરમ્યાન આપણું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે એ સમજી શકાય. અમેરિકાની ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટી (એએસયુ)ના વૈજ્ઞાનિકોએ સ્પોર્ટ્સ ગિયર માટેની કપડાં બનાવતી એક કંપનીના રોબોને ફરીથી ડિઝાઇન કર્યો છે. ઍન્ડી નામના મૅનિકિનના શરીર પર કૃત્રિમ પરસેવો, તાપમાન અને ગરમી માટે ૩૫ જગ્યાએ સેન્સર ગોઠવવામાં આવ્યાં છે. ઇન્ટર્નલ કૂલિંગ હોવાથી એનો ઉપયોગ આઉટડોર માટે પણ થઈ શકે છે, જેને કારણે ઍરિઝોનાના રણમાં પણ એને ટેસ્ટ ડમી તરીકે ઉપયોગમાં લઈ શકાય, કારણ કે અમુક સ્થળોએ ટેસ્ટિંગ માટે તમે મનુષ્યનો ઉપયોગ ન કરી શકો.
ભારે ગરમીને કારણે મનુષ્યો મૃત્યુ પામે છે. આપણે જાણી નથી શકતા કે આવું કઈ રીતે થયું. એવા સંજોગોમાં ઍન્ડી ઉપયોગમાં આવી શકે. વૈજ્ઞાનિકો જાણવા માગે છે કે અલગ-અલગ ઉંમરના, શરીરનો બાંધો ધરાવતા અને રોગ ધરાવતા વિવિધ ઉંમરના લોકો પર ગરમીની કેવી અસર થાય છે. ઍન્ડી ૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. વૈજ્ઞાનિકોએ ઍન્ડીનો પાર્ટનર માર્ટી પણ બનાવ્યો છે, જે પર્યાવરણ માપશે અને ઍન્ડી જણાવશે કે શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે.