31 January, 2026 01:21 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
CT સ્કૅન કર્યો તો ખબર પડી કે એક પિન તેના ફેફસાના વાલ્વની પાસે આડી ફસાઈ ગઈ છે
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સહજનવા ગામમાં રહેતી એક યુવતી સાથે એક રોજિંદી નાનકડી ટેવ જીવલેણ બની જાય એ હદે ગંભીર બની ગઈ હતી. બાવીસ વર્ષની નેહા તેના ઘરે સાડી પહેરી રહી હતી. એ વખતે તેના મોંમાં બે-ત્રણ સેફ્ટી-પિન હોઠની વચ્ચે દબાવીને રાખી હતી. એ પછી હોઠ દબાવીને તે સહેલી સાથે વાતો કરી રહી હતી અને અચાનક શ્વાસ લેવા જતાં એક પિન લાળ સાથે ભળીને અંદર જતી રહી. આ ઘટના વખતે તો નેહાને ખબર પણ નહોતી પડી. જોકે બીજા દિવસે તેની તબિયત ખરાબ થઈ રહી હોય એવું લાગ્યું. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ચોથા દિવસે તો શ્વાસ ચડવાની સાથે ખાંસી અને ગળામાં દુખાવો અસહ્ય થઈ ગયાં એટલે તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવાઈ. તેનું ઑક્સિજન-લેવલ બહુ ઝડપથી ઓછું થઈ રહ્યું હતું એટલે કદાચ ફેફસાંની તકલીફ હોઈ શકે એમ વિચારીને ડૉક્ટરોએ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કર્યો તો ખબર પડી કે એક પિન તેના ફેફસાના વાલ્વની પાસે આડી ફસાઈ ગઈ છે. જેટલી વાર તે શ્વાસ લેતી એટલી વાર એ શ્વાસનળીમાં વધુ અંદર ફસાઈ રહી હતી. ડૉક્ટરોએ તરત બ્રૉન્કોસ્કોપી નામની ટ્રીટમેન્ટ દ્વારા ગળામાં ટ્યુબ નાખીને પિન કાઢી હતી.