15 November, 2025 02:00 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
ટૅક્સીમાં વાગતું ગીત ન ગમ્યું તો આન્ટીએ ડ્રાઇવરને છરો દેખાડી દીધો
રશિયાનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. ટૅક્સીમાં પ્રવાસ કરી રહેલી એક મહિલાને ગાડીમાં ચાલતું ગીત ન ગમ્યું તો તેણે ડ્રાઇવરને છરો દેખાડીને ડરાવી દીધો હતો. અચાનક ચાકુને જોઈને (એ પણ મહિલા પાસે) ડ્રાઇવરના તો હોશ ઊડી ગયા હતા. આ આખી ઘટના કૅબ-ડ્રાઇવરે ગાડીમાં લગાડેલા ડૅશ કૅમેરામાં કેદ થઈ હતી.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ વિડિયો સાથે જણાવાયું હતું કે આ ઘટના રશિયાના સમારા શહેરની છે. મહિલા ટૅક્સીમાં બેઠી હતી. ટૅક્સીમાં ડિસ્કો ટાઇપનું કોઈ ગીત વાગતું હતું. એ સંગીત સાંભળીને ભડકી ગયેલી મહિલાએ તરત તેની બૅગમાંથી એક મોટો ધારદાર છરો કાઢીને ડ્રાઇવર સામે તાગી દીધો હતો. બે સીટ વચ્ચેથી છરો આગળ કરીને મહિલા એવું કહેતી હતી કે ‘મને આવું સંગીત બિલકુલ પસંદ નથી. તને સમજાતું નથી એક વાર કહ્યું તો? આ ગીત બંધ કર અને બીજું ગીત લગાવ.’
આ પછી હાંફળા-ફાંફળા થઈ ગયેલા ડ્રાઇવરને પહેલાં તો શું કરવું એની ખબર જ નહોતી પડી રહી. પછી જોકે તેણે ગાડી સાઇડમાં કરી હતી અને મહિલાએ જે ગીત કહ્યું હતું એ ગીત લગાવીને તેને શાંત કરી હતી.