26 August, 2026 04:58 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
ટ્રેનમાં ફર્સ્ટ AC કોચમાં ઉંદરડો પ્રવાસીનું નાક કાપી ગયો
ભારતીય રેલવેમાં ઉંદરોનો ત્રાસ કેટલો છે એ તો સૌ જાણે છે, પણ જે ડબ્બામાં તમે વિશેષ ચાર્જ ભરીને બેઠા કે સૂતા હો ત્યાં પણ આ ઉંદરડાઓ મુસાફરોને છોડતા નથી. ઉના-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં રાતના સમયે સૂતી વખતે ઉંદર એક મુસાફરના નાક પર કરડી ગયો. ૭૮ વર્ષના એચ. પી. કરણ નામના રિટાયર્ડ ઑફિસર સાથે આ ઘટના બની હતી. તેઓ પરિવાર સાથે ચંડીગઢથી ઇન્દોર જઈ રહ્યા હતા. ટ્રેન શરૂ થયા પછી તરત જ પરિવારજનોએ રેલવે-સ્ટાફને કોચમાં ઉંદર હોવાની ફરિયાદ કરી હતી. કોચમાં ગંદકી પણ પણ હતી. રેલવે કર્મચારીઓએ આવીને સફાઈ કરી નાખી, પણ ઉંદરડો કેમેય પકડાયો નહીં. રાતે સૂતી વખતે એ ઉંદરડો રિટાયર્ડ ઑફિસરના નાકે બચકું ભરી ગયો હતો. બચકું ભરવાને કારણે નાક લોહીલુહાણ થઈ ગયું હતું. રેલવેના કર્મચારીઓએ પ્રાથમિક સારવાર આપી, પરંતુ સવારે ઇન્દોર પહોંચ્યા પછી તેમને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમને ઍન્ટિ-રેબીઝ ઇન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. રેલવેનો દાવો છે કે ટ્રેન શરૂ થઈ એ પહેલાં જ ઍન્ટિ-રોડન્ટ ટ્રીટમેન્ટ કરાવવામાં આવી હતી, પરંતુ પ્રવાસીઓને ચડવા માટે દરવાજો ખોલવામાં આવતો હોય ત્યારે ઉંદર કોચમાં ઘૂસી ગયો હશે.