12 May, 2026 11:41 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારના પૂર્ણિયામાં આવેલી ઍગ્રિકલ્ચર કૉલેજ અત્યારે કોઈ સંશોધનને કારણે નહીં પરંતુ કુદરતના એક અજાયબ દૃશ્યને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં પીપળાના એક વિશાળ વૃક્ષની બરાબર વચ્ચેથી ૬૦ ફુટ ઊંચું તાડનું વૃક્ષ ઊગી નીકળ્યું છે. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ દુર્લભ ગણાતી આ ઘટનાને જોવા માટે સ્થાનિકો અને પર્યટકો મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે.
કૉલેજના નિષ્ણાત પ્રોફેસરના કહેવા મુજબ સામાન્ય રીતે બે અલગ-અલગ પ્રજાતિનાં વૃક્ષો આટલી આત્મીયતાથી સાથે વધે એવું ભાગ્યે જ જોવા મળે છે. આ પ્રકૃતિના સહઅસ્તિત્વનું ઉદાહરણ છે. જોકે આ બન્ને વૃક્ષો કેવી રીતે ઊગ્યાં એ માટે તેમણે કહ્યું હતું કે પક્ષીઓ દ્વારા ફેલાયેલાં બીજને કારણે પીપળાના પોલાણમાં તાડનો છોડ ઊગ્યો હોઈ શકે છે, જે સમય જતાં પીપળાની સાથે જ પોષણ મેળવીને મોટો થયો છે.