ડોનલ્ડ ટ્રમ્પનાં ૮૫૫૮ જુઠ્ઠાણાં

28 January, 2019 12:37 PM IST  |  | રમેશ ઓઝા

ડોનલ્ડ ટ્રમ્પનાં ૮૫૫૮ જુઠ્ઠાણાં

ડોનાલ્ડ ટ્રમ્પ

કારણ-તારણ

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી આજ સુધીમાં ૮૫૫૮ વખત ખોટાં અથવા પ્રજાને ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કરી ચૂક્યા છે. પ્રમુખપદના તેમના પહેલા વરસમાં જૂઠ કે ગેરમાર્ગે દોરનારાં નિવેદનોની સરેરાશ રોજની ૫.૯ની હતી. બીજા વરસે એ વધીને ૧૬.૫ થઈ હતી, એટલે કે લગભગ ત્રણ ગણો વધારો થયો હતો. રોજનાં ૧૬ જુઠ્ઠાણાં અથવા અર્ધસત્યો. એનો અર્થ એ થયો કે અમેરિકન પ્રમુખની હિંમતમાં વધારો થયો હતો અને તેઓ વધુ બેજવાબદાર બન્યા હતા. અમેરિકામાં બહારના લોકો ન પ્રવેશે અને જે છે તેમને બને ત્યાં સુધી નાગરિકત્વ ન આપવામાં આવે એ વિશે તેઓ વળગણ ધરાવે છે. ડોનલ્ડ ટ્રમ્પ બે વરસમાં આ વિશે ૧૪૩૩ ખોટાં કે ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કરી ચૂક્યા છે. વેપારીખાધના પરિણામે અમેરિકા પૈસા ગુમાવે એવું તેમણે ૧૨૬ વખત કહ્યું છે જ્યારે કે સત્ય એ છે કે અમેરિકા એમાં નુકસાન નથી કરતું. મીડિયાએ અને ફૅક્ટ-ચેકરોએ વાઇટ હાઉસનું ધ્યાન દોર્યું હોવા છતાં તેઓ વારંવાર જૂઠ દોહરાવ્યા કરે છે. અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ રોજ એના પહેલા પાને પ્રમુખસાહેબના આજનાં જુઠ્ઠાણાંના આંકડા અને વિગતો આપે છે.

ભારતમાં પણ આવી જ સ્થિતિ છે; માત્ર પ્રમાણનો ફરક છે અને ન હોય તો પણ આર્ય નહીં. આપણે ત્યાં પણ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની જેમ વડા પ્રધાન અને તેમના પ્રધાનો દ્વારા ઓચરવામાં આવતાં જુઠ્ઠાણાં અને અર્ધસત્યોનો દૈનિક આંકડો આપવો જોઈએ. વડા પ્રધાને પંદરમી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાંથી એક ડઝન અસત્ય અને અર્ધસત્ય ફૅક્ટ-ચેકરોએ શોધી કાઢ્યાં હતાં. ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીમાં હજી એક સામ્ય છે; બન્ને ખુલાસો નથી કરતા, નિવેદન નથી સુધારતા, ભૂલનો એકરાર નથી કરતા અને માફી? માફી તો બહુ દૂરની વાત છે.

આ હિંમત આવે છે ક્યાંથી? ‘હે સર્વ કોઠૂન યેતે?’ એવું વિજય તેન્ડુલકરનું પુસ્તક છે જેમાં કોઈ પણ સંજોગોમાં નહીં તૂટનારા, નહીં શરમાનારા કે નહીં મોળા પડનારા લોકોનાં રેખાચિત્રો છે. એમાં બધા જ જાણીતા માણસો છે જેમને તેન્ડુલકર અંગત રીતે ઓળખતા હતા. ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો એમાં સમાવેશ થાય છે. મરાઠી વાંચી શકનારા વાચકોને એ પુસ્તક વાંચવાની ભલામણ છે. તો આ હિંમત આવે છે ક્યાંથી?

એવું નથી કે તેઓ દરેક વખતે જાણીબૂજીને જૂઠું બોલે છે. ધે જસ્ટ ડોન્ટ કૅર. કોઈ પકડી પાડીને શું ઉખેડી લેવાના? એવી માનસિકતા છે. ચોકસાઈને તેઓ મહkવ નથી આપતા. ખોટાં અને બેજવાબદાર નિવેદનો દ્વારા તેઓ હોદ્દાનું અવમૂલ્યન કરે છે એ વાતની તેમને ચિંતા નથી. આ ઉપરાંત તેઓ નાગરિકોને બેવકૂફ સમજે છે. ભક્તોની જમાત પેદા કરો એટલે તેઓ ગોકીરો કરીને નિંદકોના અવાજને દબાવી દેશે. અમેરિકામાં પણ રાષ્ટ્રવાદી દેશભક્તોની જમાત ઘણી મોટી છે જેમને સત્ય-અસત્ય સાથે કોઈ લેવા-દેવા નથી. અમારો પ્રમુખ મુસ્લિમ વિરોધી, એશિયાઈ વિરોધી, મેક્સિકન વિરોધી છે એટલું પૂરતું છે. સર્વશ્રેષ્ઠ શાસકના બધા ગુણ અમે જેના વિરોધી છીએ એમાં એના વિરોધી હોવામાં સમાઈ જાય છે. એ પછી જૂઠ બોલે તો પણ વાંધો નહીં અને જ્યારે બોલવું જોઈએ ત્યારે ચૂપ રહે તો પણ વાંધો નહીં.

દરેક વ્યક્તિની કાર્યશૈલી હોય છે. પી. વી. નરસિંહ રાવ વિગતોના માણસ હતા. વિચક્ષણ બુદ્ધિ હતી એટલે તેઓ દરેક બાબતની ઝીણામાં ઝીણી વિગત એક્સ-રેની માફક જોઈ શકતા. નરસિંહ રાવનાં નિવેદનોમાં ભાગ્યે જ કોઈ વિગતદોષ કાઢી શકે અને તેમણે જો જાણીબૂજીને વિગત સાથે છૂટછાટ લીધી હોય તો રજૂઆત એટલી ચબરાકીભરી હોય કે ભાગ્યે જ પકડાય. અટલ બિહારી વાજપેયી વિગતોમાં જવાની બાબતે આળસુ હતા, પણ તેમની પાસે એવા વિશ્વાસુ લોકોની ટીમ હતી જે તેમના વતી વિગતો ચકાસી આપતી. બ્રજેશ મિશ્રા, જસવંત સિંહ અને અરુણ શૌરી એમાં મુખ્ય હતા. કાં આપણામાં સંવિત્ત હોવું જોઈએ અને કાં શ્રદ્ધેય પર શ્રદ્ધા હોવી જોઈએ. જવાહરલાલ નેહરુ નીતિવિષયક નિવેદનો વધુ કરતા અને શાસનસંબંધી નિવેદનો જે-તે ખાતાના તેમના પ્રધાનો કરતા. ઇન્દિરા ગાંધી કોઠાસૂઝના આધારે રાજકીય નિવેદનો વધુ કરતાં અને શાસકીય નિવેદનો ભાગ્યે જ કરતાં. એ કામ તેમના પ્રધાનો કરતા. ઇન્દિરા ગાંધી આકડાંઓ ટાંકતા હોય એવું ભાગ્યે જ જોવા મળતું.

આ પણ વાંચો : કાશ્મીર વિશે ભાગવતભાષ્ય

મૂળ વાત એ છે કે શાસક વિગતોમાં ઊતરનારો હોય કે ટીમ પર ભરોસો રાખનારો હોય, એ જવાબદારીથી બોલવો અને વર્તવો જોઈએ. આ જવાબદારીના ભાનને કારણે કેટલાક શાસકો રજેરજ વિગત સમજી લેતા તો કેટલાક સમજી શકનારાઓની તેમ જ સમજાવનારાઓની ટીમ રાખતા. ભાંગરો વટાય અને નાક કપાય એવું જવાબદાર શાસકો નથી થવા દેતા. જો કોઈ શાસક આ બેમાંથી કોઈ માર્ગ ન અપનાવતા હોય અને પૂરા આત્મવિશ્વાસ સાથે ફેંકતા હોય તો એનો અર્થ એટલો જ થાય કે તેઓ પ્રજાને બેવકૂફ સમજે છે અને પોતાને સ્માર્ટ.

offbeat news