28 May, 2025 12:51 PM IST | Jaisalmer | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનની રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ.
ભારતમાં હજારો સ્કૂલો અને કૉલેજો છે, પણ રાજસ્થાનની આ સ્કૂલ એની અનોખી બનાવટને કારણે ખૂબ ચર્ચામાં છે. આ સ્કૂલમાં ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે પણ ઍર-કન્ડિશનર કે કૂલર વિના ઠંડક અનુભવાય છે. સ્કૂલનું નામ છે રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ. જેસલમેરના થારના રણમાં આવેલી આ સ્કૂલ એની ખાસ ડિઝાઇન અને કુદરતી વૅન્ટિલેશનને કારણે જાણીતી છે અને એ જ કારણોસર અહીં બળબળતી ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ થાય છે. આ સ્કૂલ થારના રણમાં હોવાને કારણે ગરમી અપરંપાર છે, પણ એની ખાસ ડિઝાઇન અને કુદરતી વેન્ટિલેશન યુનિક છે. આ સ્કૂલની છત ખાસ ટેક્નિકથી બનાવેલી છે જેથી ગરમી છતમાં જ શોષાઈ જાય. છતની સીલિંગની નીચે લાઇમ પ્લાસ્ટર કરેલું છે જેને કારણે અંદર ઠંડક રહે છે. છતની ઉપર ચિનાઈ માટીની ટાઇલ્સ લગાવેલી છે જે ગરમીને અંદર જતી રોકે છે.
આ સ્કૂલના બિલ્ડિંગનો શેપ અને સાઇઝ પણ બહુ યુનિક છે. આ સ્કૂલની ડિઝાઇન અમેરિકાનાં જાણીતાં આર્કિટેક્ટ ડાયના કેલૉગે બનાવી છે. ગરમીથી બચવા માટે જેસલમેરના પથ્થરો પણ બહુ જ કામના છે. આ સ્કૂલની દીવાલો પણ સ્થાનિક સૅન્ડસ્ટોનથી બનેલી છે એને કારણે તપતી ગરમીમાં પણ ઠંડક બરકરાર રહે છે.