દીકરીએ પોતાની મરજીથી લગ્ન કરી લીધાં, પિતાએ શોકપત્રિકા છપાવીને સગાંવહાલાંઓને એકઠાં કર્યાં

26 March, 2026 01:15 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

પોલીસે ખોટા મૃત્યુભોજનો કાર્યક્રમ નહીં રાખી શકાય એવો આદેશ આપ્યો હતો. આખરે પિતા માન્યા અને તેમણે માત્ર પ્રાર્થનાસભાથી સંતોષ માન્યો હતો

પિતાએ પોતાની હયાત દીકરીને મૃત માનીને તેની શોકસભા બેસાડી

રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આમલ્દા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની હયાત દીકરીને મૃત માનીને તેની શોકસભા બેસાડી. તેમનું આયોજન તો શોકસભા પછી મૃત્યુભોજન રાખવાનું હતું, પરંતુ સ્થાનિક પોલીસને આ વાતની ખબર પડતાં તેમણે પિતાને આ પ્રકારનો કાર્યક્રમ ન રાખવાનો આદેશ આપ્યો હતો. વાત એમ હતી કે દેવેન્દ્ર સિંહ કાનાવત નામના ભાઈની દીકરી ભણવા માટે જયપુર ગઈ હતી. પરિવારને હતું કે દીકરી ભણી-ગણીને સમાજમાં પરિવારનું નામ રોશન કરશે. જોકે તેમની દીકરીએ સમાજને છોડીને અન્ય જ્ઞાતિના યુવક સાથે સંબંધ નક્કી કરી લીધો. પિતાને એ વાતની ખબર પડતાં તેમણે દીકરીને મૃત જાહેર કરી દીધી અને પરિવાર સાથેના તેના સંબંધો પૂરા જાહેર કરી દીધા. દેવેન્દ્ર સિંહે દીકરીના મૃત્યુની શોકપત્રિકા લખીને બાવીસ માર્ચે પ્રાર્થનાસભા અને ૩૧ માર્ચે મૃત્યુભોજની ઘોષણા કરી હતી. જોકે રવિવારે પ્રાર્થનાસભા વિશે પોલીસને ખબર પડતાં એણે દેવેન્દ્ર સિંહને સમજાવ્યા હતા. તેઓ ન માનતાં પોલીસે ખોટા મૃત્યુભોજનો કાર્યક્રમ નહીં રાખી શકાય એવો આદેશ આપ્યો હતો. આખરે પિતા માન્યા અને તેમણે માત્ર પ્રાર્થનાસભાથી સંતોષ માન્યો હતો.

offbeat news rajasthan india national news