11 August, 2025 08:48 AM IST | Netherlands | Gujarati Mid-day Correspondent
હવામાં તરતી વનસ્પતિ
નેધરલૅન્ડ્સની ડેલ્ફટ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના નિષ્ણાતોએ એવી હલકી-ફૂલકી વનસ્પતિઓ હવામાં તરતી હોય એ રીતે વિકસાવી છે જેમાં પાણી, માટી કે કૂંડાની જરૂર નથી પડતી. ડચ સંશોધનકર્તાઓએ એને ‘ફ્લોટિંગ ઍગ્રિકલ્ચર’ ખેતી પદ્ધતિ એવું નામ આપ્યું છે. આ પદ્ધતિમાં નીચે ચુંબક રાખીને એની મદદથી વનસ્પતિને હવામાં અધ્ધર લટકતી રાખવામાં આવે છે. આ નવી પદ્ધતિથી પાકના મૂળને પણ કોઈ સ્પર્શ થતો નથી. એને કારણે માટીજનિત રોગો, જીવડાંને કારણે થતું નુકસાન કે પછી વધુપડતા પાણીને કારણે મૂળ સડી જવા જેવી તકલીફો નિવારી શકાશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સંચાલિત સેન્સરથી દરેક છોડ માટે જરૂરી આદર્શ ડેવલપમેન્ટ પરિસ્થિતિ મેઇન્ટેઇન કરવામાં આવશે. જોઈએ એટલો પ્રકાશ, જરૂરી પાણી, જોઈએ એટલું જ તાપમાન બધું જ AI દ્વારા કન્ટ્રોલ થઈ શકશે.
ફ્લોટિંગ એટલે કે તરતી ખેતીના વિકાસથી શહેરોમાં પણ ખેતીનો વ્યાપ થઈ શકશે અને અંતરીક્ષમાં પણ આ જ ટેક્નૉલૉજીથી ખાદ્ય-ઉત્પાદન શક્ય બની શકશે. અત્યારે વૈજ્ઞાનિકોએ તરતી ખેતી થકી ઔષધિ, પાંદડાંવાળી ભાજી અને સ્ટ્રૉબેરીથી શરૂઆત કરી છે. આ પદ્ધતિથી માટીની ગુણવત્તા જાળવી રાખવાની ચિંતા નહીં રહે, જંતુનાશકો વાપરવાં નહીં પડે જેથી પાક શુદ્ધ રહેશે. પાણીની જરૂરિયાત ખૂબ જ ઘટી જશે. જોકે હજી આ પદ્ધતિ પ્રાયોગિક તબક્કામાં છે, પરંતુ કેટલાક ડચ ઍગ્રો ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપ્સને એમાં રસ પડ્યો છે.