08 March, 2025 05:26 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડાયમન્ડ ઇઅર-રિંગ્સ ૩૨ વર્ષના ચોર જેથન લૉરેન્સ ગિલ્ડરે ચોરી લીધાં અને પુરાવા મિટાવી દેવા આ ઇઅર-રિંગ્સ તેણે ગળી લીધાં
અમેરિકાના ફ્લૉરિડાના ઑર્લેન્ડોમાંથી ચોરીની એક એવી ઘટના બહાર આવી છે જ્યાં ૭,૬૯,૦૦૦ ડૉલર (આશરે ૬.૭ કરોડ રૂપિયા)નાં ડાયમન્ડ ઇઅર-રિંગ્સ ૩૨ વર્ષના ચોર જેથન લૉરેન્સ ગિલ્ડરે ચોરી લીધાં અને પુરાવા મિટાવી દેવા આ ઇઅર-રિંગ્સ તેણે ગળી લીધાં, પણ હવે તેની હાલત ખરાબ છે કારણ કે પોલીસ તેના પેટમાં ફસાયેલાં ઇઅર-રિંગ્સ કાઢવા માટે પ્રયાસો કરી રહી છે.
જેથન ખુદને સ્થાનિક બાસ્કેટબૉલ ખેલાડી ગણાવીને હાઈએન્ડ જ્વેલરી સ્ટોર ટિફની ઍન્ડ કંપનીમાં ઘૂસ્યો હતો. તેણે ચાલાકીથી મોંઘી જ્વેલરી સેક્શનમાં પ્રવેશ કરી લીધો અને બે મોંઘાં ઇઅર-રિંગ્સ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. એમાં એક ઇઅર-રિંગમાં ૪.૮૬ કૅરૅટનો ૧.૪ કરોડ રૂપિયાનો હીરો અને બીજામાં ૮.૧૦ કૅરૅટનો ૫.૩ કરોડ રૂપિયાનો હીરો જડેલો હતો. સ્ટોરમાં ચોરી કરીને જેથન નીકળી ગયો, પણ હાઇવે પર તે પકડાયો હતો. તેની પાસેથી કંઈ મળ્યું નહીં, પણ તેની શકના આધારે ધરપકડ કરાઈ હતી. તેને જેલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેણે ગભરાટમાં પૂછ્યું કે શું મારા પેટમાં છે એના માટે પણ મારી સામે કેસ કરવામાં આવશે? તેના ગભરાટથી પોલીસ સાબદી થઈ અને તેના પેટનું સ્કૅન કરવામાં આવ્યું જેમાં પેટમાં બે ઇઅર-રિંગ્સ દેખાયાં હતાં. તેના પેટમાંથી હવે આ ઇઅર-રિંગ્સ કુદરતી રીતે બહાર આવે એની પ્રક્રિયા ચાલી રહી છે. જેથને પોલીસને કહ્યું હતું કે મેં ઇઅર-રિંગ્સ કારમાંથી ફેંકી દીધાં હોત તો સારું થાત.
જેથન નવો અપરાધી નથી. તેની સામે ૪૮ વૉરન્ટ બહાર પડ્યાં છે.