25 July, 2025 02:21 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
લોકતંત્ર
બિહારમાં મતદારયાદીની ચકાસણી બાબતે સંસદમાં ત્રણ દિવસથી BJP સામે વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિરોધી પક્ષોના સંસદસભ્યો ગઈ કાલે પોતાની જ ભૂલને લીધે છોભીલા પડી ગયા હતા, કારણ કે તેમણે સામૂહિક રીતે પકડીને ઊભા રહેવા માટે બૅનર પર લખાવવા સૂત્ર તો સરસ શોધ્યું હતું, ‘એસ.આઇ.આર.-લોકતંત્ર પર વાર.’ જોકે છાપકામની સામાન્ય ભૂલને લીધે સૂત્રનો સૌથી મહત્ત્વનો શબ્દ ‘લોકતંત્ર’ ખોટી રીતે છપાયો હતો અને તંત્રનું તંત્ર થઈ ગયું હતું. આ તસવીરને વાઇરલ કરીને BJPએ વિરોધી નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જે લોકોને લોકતંત્ર શબ્દ જ લખતાં નથી આવડતો તેઓ લોકતંત્રના પાઠ ભણાવવા નીકળ્યા છે. બીજી તરફ સોશ્યલ મીડિયામાં આ ફોટો વાઇરલ થતાં જ સોનિયા ગાંધી ટ્રેન્ડ થવા લાગ્યાં હતાં, કારણ કે વિરોધ-પ્રદર્શનમાં આ ભૂલભરેલા લખાણવાળું બૅનર લઈ ઊભેલા સંસદસભ્યોમાં વચ્ચોવચ સોનિયા ગાંધી હતાં અને નેટિઝન્સની પબ્લિક કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે ‘આમાં કોઈની કંઈ ભૂલ નથી. બૅનર પર સોનિયા ગાંધીની વિશિષ્ટ છાંટવાળા હિન્દી ઉચ્ચાર પ્રમાણેનું લોકતંતર લખવામાં આવ્યું છે.’