૩૦ વર્ષ પહેલાં પેદા થયેલા ભ્રૂણમાંથી જન્મ્યું સૌથી વયસ્ક નવજાત બાળક

02 August, 2025 10:59 AM IST  |  Ohio | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ઓહાયોમાં રહેતી ૩૫ વર્ષની લિન્ડસે અને ૩૪ વર્ષના ટીમ પિયર્સના ઘરે ૭ વર્ષ સુધી ગર્ભધારણની કોશિશો બાદ નવજાત બાળકનું આગમન થયું હતું. જોકે આ બાળક સાધારણ નહોતું. આ બાળક વિશ્વનું સૌથી વયસ્ક બાળક હોવાનું મનાય છે.

લિન્ડસે અને ટિમ અને તેમનું બાળક

અમેરિકાના ઓહાયોમાં રહેતી ૩૫ વર્ષની લિન્ડસે અને ૩૪ વર્ષના ટીમ પિયર્સના ઘરે ૭ વર્ષ સુધી ગર્ભધારણની કોશિશો બાદ નવજાત બાળકનું આગમન થયું હતું. જોકે આ બાળક સાધારણ નહોતું. આ બાળક વિશ્વનું સૌથી વયસ્ક બાળક હોવાનું મનાય છે. બાળક અને વયસ્ક? યે બાત કુછ સમઝ નહીં આઈ?

વાત એમ છે કે લિન્ડસે અને ટિમના ઘરે જે બાળક જન્મ્યું એ ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) એટલે કે ટેસ્ટટ્યુબ બેબીના માધ્યમથી જન્મ્યું હતું. એમાંય તેમણે જૂના અને બીજા કપલના અંશોથી નિર્માણ પામેલા ભ્રૂણનો ઉપયોગ કર્યો હતો. ૧૯૯૪માં લિન્ડા આર્ચર્ડ નામની મહિલાએ તેના પતિના શુક્રાણુઓથી ફલિત થયેલા ચાર ભ્રૂણમાંથી એક ભ્રૂણ વાપરીને દીકરીને જન્મ આપ્યો હતો. બાકીના ત્રણ ભ્રૂણ સાચવી રાખવામાં આવ્યા હતા. લિન્ડસે અને ટિમે આ સાચવી રાખેલા ભ્રૂણને ગર્ભમાં પુનઃ સ્થાપિત કરીને એમાંથી નવજાત બાળકને જન્મ આપ્યો હતો. બીજી રીતે 
જોઈએ તો લિન્ડસે અને ટિમ કરતાં તેમના બાળકનો ભ્રૂણ જસ્ટ ચાર-પાંચ વર્ષ જ નાનો છે. હાલમાં એ ભ્રૂણની અસલી માતા લિન્ડા આર્ચર્ડ ૬૨ વર્ષનાં છે. ૩૦ વર્ષ સુધી લૅબોરેટરીમાં સંઘરાઈ રહેલા ભ્રૂણમાંથી બાળક પેદા થયું હોય એવો આ વિશ્વનો પહેલો કિસ્સો છે. લિન્ડાએ આ ભ્રૂણને ત્રણ દાયકાથી સાચવી રાખવા માટે હજારો ડૉલરનો ખર્ચ કર્યો હતો. લિન્ડાનું કહેવું છે કે અમે કોઈ રેકૉર્ડ તોડવા માટે થઈને આ ભ્રૂણ સાચવ્યો નહોતો. વર્ષો સુધી સચવાયેલા ભ્રૂણમાંથી બાળક પેદા થાય છે કે નહીં એ સમજવા માટે આ કામ કરેલું. લિન્ડસે અને ટિમને સ્નોફ્લેક્સ નામના એક ક્રિશ્ચિયન ડોનેશન કાર્યક્રમ અંતર્ગત આ સાચવેલા ભ્રૂણ વિશે જાણવા મળ્યું હતું. ધર્મ, જાતીયતા અને મૂલ્યોને ધ્યાનમાં રાખતાં આ ભ્રૂણ પોતાના બૅકગ્રાઉન્ડ સાથે સુસંબંધિત લાગતાં તેમણે આ ભ્રૂણમાંથી બાળક મેળવવાનું નક્કી કરેલું. એમાંથી જે બાળકનો જન્મ થયો છે એનું નામ પાડ્યું થૅડિયસ ડેનિયલ પિયર્સ. આ બાળક વિશ્વનું સૌથી વયસ્ક ભ્રૂણમાંથી પેદા થયેલું બાળક છે.

ohio united states of america sex and relationships relationships guinness book of world records offbeat videos offbeat news