પરિવારજનોએ દાદાની અંતિમવિધિ પણ કરી લીધી અને બાદ જે થયું એ જોવાલાયક

25 November, 2020 07:36 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પરિવારજનોએ દાદાની અંતિમવિધિ પણ કરી લીધી અને બાદ જે થયું એ જોવાલાયક

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના નૉર્થ ૨૪ પરગણા જિલ્લાના એક ગામમાં રહેતા શિબદાસ બંદોપાધ્યાય નામના ૭૫ વર્ષના દાદાને કોરોન-ઇન્ફેકશન લાગ્યું હતું. હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ગયા અઠવાડિયે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું. કુટુંબીજનોએ હૉસ્પિટલ તરફથી આપવામાં આવેલી બૉડીને ક્રીમેટ કરી નાખી અને એ પછીના વીકમાં તેમણે શ્રાદ્ધકર્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જોકે શિબદાસદાદા ઘરે સાજાસમા પાછા આવ્યા ત્યારે તો સૌકોઈ દંગ રહી ગયા. વાત જાણે એમ હતી કે શિબદાસ બંદોપાધ્યાયનો કોરોના-ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં ૧૧ નવેમ્બરે તેમને જિલ્લાના બરસાત ગામની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પછી હૉસ્પિટલ તરફથી શિબદાસદાદા અવસાન પામ્યા હોવાનું તેમના પરિવારને જણાવવામાં આવ્યું હતું. 

પરિવારના સભ્યોએ કહ્યું કે તેમણે મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. શ્રાદ્ધવિધિની પણ તૈયારી કરી હતી, પરંતુ બરાબર શ્રાદ્ધના આગલા દિવસે કુટુંબીજનોને  હૉસ્પિટલમાંથી ફોન કરીને જણાવવામાં આવ્યું કે શિબદાસ સાજા થઈ ગયા છે અને તેમને ઘરે લઈ જવા માટે ઍમ્બ્યુલન્સ મોકલો. 

એ સમાચારને પગલે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ૧૩ નવેમ્બરે કોરોનાથી અવસાન પામેલા અન્ય દરદી  ખરદાહ ગામના રહેવાસી મોહિનીમોહન મુખોપાધ્યાયના અગ્નિસંસ્કાર બંદોપાધ્યાય પરિવારે કર્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી પશ્ચિમ બંગાળ રાજ્ય  સરકારના આરોગ્ય વિભાગે તપાસ માટે ચાર સભ્યોની સમિતિ નિયુક્ત કરી છે. સમિતિની તપાસમાં હૉસ્પિટલ કે અન્ય કોઈ પણ સ્તરે બેદરકારી સિદ્ધ થતાં આકરાં પગલાં લેવાની જાહેરાત આરોગ્ય ખાતાના અધિકારીએ કરી છે. 

west bengal offbeat news hatke news national news