24 May, 2021 12:14 PM IST | America | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
અમેરિકાના ઇલિનોઇ સ્ટેટની રાજધાની સ્પ્રિન્ગફીલ્ડમાં ગયા વર્ષના એપ્રિલ મહિનામાં પોલીસે કરેલી ગુસ્તાખી બદલ દર્તાવિયસ બાર્ન્સ નામના નાગરિકે તાજેતરમાં અદાલતમાં દાવો માંડ્યો હતો. મિસ્ટર બાર્ન્સ એક પાત્રમાં તેમની મૃત પુત્રીના અવશેષો લઈને તેમની કારમાં જતા હતા ત્યારે અચાનક પોલીસે તેમને અટકાવ્યા હતા. પોલીસે તેમને હાથકડી પહેરાવીને તેમના વાહનની પાછળ બેસાડ્યા હતા. પોલીસે સોનેરી આવરણમાં વીંટાળેલા વાસણમાં ડ્રગ્સ હોવાની શંકા પરથી એની ચકાસણી કરાવી અને પછી કહ્યું કે ‘પાત્રમાંના પદાર્થની ડ્રગ્સ-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. એમાં એક્સ્ટસી નામનું ડ્રગ છે.’ એ વખતની ઘટનાઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. બાર્ન્સે અદાલતમાં માંડેલા દાવામાં જે આરોપો મૂક્યા છે એ પોલીસે નકાર્યા છે.
બાર્ન્સે વારંવાર કહ્યું કે ‘એ પાત્રમાં મારી મૃત પુત્રીના અવશેષો છે. દફનવિધિ પછી મેળવેલા અવશેષો પવિત્ર સ્થાને પધરાવવા-ઘરમાં રાખવા માટે લઈ જઉં છું.’
જોકે પોલીસે આ વાત ન માનતાં બાર્ન્સ જોડે અપમાનજનક વર્તન કર્યું હતું. એ ઘટના વખતે બાર્ન્સે પોલીસના અપમાનજનક વર્તન સામે અદાલતમાં દાવો માંડવાની ચીમકી આપી હતી. એ ચીમકી અનુસાર તેમણે તાજેતરમાં સ્પ્રિન્ગફીલ્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ સામે દાવો માંડ્યો હતો. બાર્ન્સની બે વર્ષની દીકરી ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં મૃત્યુ પામી હતી.