લૉકડાઉનમાં જમ્મુથી પુંછ પહોંચવા માટે દાદાએ ડેડબૉડી બન્યાનું નાટક કર્યું

05 April, 2020 07:10 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનમાં જમ્મુથી પુંછ પહોંચવા માટે દાદાએ ડેડબૉડી બન્યાનું નાટક કર્યું

પ્રતીકાત્મક તસવીર

કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી ૭૦ વર્ષના હકીમદીન માથાની ઈજાની સારવાર કરાવવા જમ્મુની હૉસ્પિટલમાં દાખલ થયા અને સાજા થયા પછી પાછા ઘરે પહોંચવાનો વિચાર કરે ત્યાં કોરોના રોગચાળાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું. એવા સંજોગોમાં ઘણા દિવસો વીતતાં હકીમદીનને કોઈ પણ રીતે ઘરે જવાની તીવ્ર ઇચ્છા થતી હતી. તેમને એ હૉસ્પિટલના ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવરે ડેડબૉડી બનવાનો ઢોંગ કરી શકે તો પૂંછ સુધી પહોંચાડવાની ખાતરી આપી. હકીમદાદાએ ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે સેટિંગ કરીને પૂંછ પહોંચવાનો પ્રવાસ શરૂ કર્યો. હકીમદીન સાથે અન્ય કેટલાક જણ પણ ડેડબૉડી બની ગયા હતા. ડ્રાઇવર પાસે બનાવટી ડેથ સર્ટિફિકેટ્સ પણ હતાં. એ સર્ટિફેકેટ્સ બતાવીને અનેક ચેક પોઇન્ટ્સ પસાર કરી લીધા પછી પૂંછમાં પ્રવેશ પૂર્વેના લગભગ છેલ્લા ચેકપૉઇન્ટ પર પોલીસને ડેડબૉડીઝ તપાસવાની ઇચ્છા થઈ. પોલીસ જવાને ડેડબૉડીઝને સાક્ષાત્ નિહાળી ત્યારે જૂઠાણું બહાર આવ્યું હતું. વાહનની અંદર સફેદ ચાદર લપેટીને રાખેલાં શરીર મૃત વ્યક્તિઓના હોવાનું એ પોલીસ જવાનના માન્યામાં આવતું નહોતું. એથી વધારે તપાસ કરતાં આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ડેડબૉડી બનીને પૂંછમાં પ્રવેશ કરવા પ્રયત્નશીલ માણસોને જુદી-જુદી જગ્યાએ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. પોલીસે એ બધા સામે છેતરપિંડી અને સરકારના પ્રતિબંધક આદેશનો ભંગ કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે. 

jammu and kashmir offbeat news hatke news national news coronavirus poonch