12 July, 2023 11:01 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
એઆઇ ઍન્કર
છેલ્લા કેટલાક મહિનામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉદ્યોગમાં ભારે તેજી આવી છે. કેટલાક લોકો એઆઇની મદદથી માત્ર ફોટો સાથે પ્રયોગ કરી રહ્યા છે, તો કેટલીક કંપનીઓ એક પગલું આગળ વધી છે. આવી જ એક કંપની ઓડિશા ટીવી છે, જેણે વિશ્વમાં પહેલી વખત એઆઇ ન્યુઝ ઍન્કર રજૂ કરી હતી, જેનું નામ લિસા છે. ઓડિશાની ન્યુઝ ચૅનલના મતે આ ઍન્કર ટીવી બ્રૉડકાસ્ટિંગ અને પત્રકારત્વમાં ક્રાન્તિ લાવશે. એ દેખાવમાં એક યુવતી જેવી જ છે, પરંતુ ખરેખર તો એ રોબો છે.
ઓટીવી દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વિડિયોમાં લિસા પોતાનો પરિચય આપતાં જણાવે છે કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ઓટીવી ચૅનલના જણાવ્યા પ્રમાણે લિસા અનેક ભાષા બોલી શકે છે. હાલ તે ઉડિયા, ઇંગ્લિશ તેમ જ અન્ય ભાષામાં ન્યુઝ આપી રહી છે. લિસાને ઉડિયા બોલતી કરવામાં ઘણી જહેમત ઉઠાવવી પડી હતી અને હજી પણ એ કાર્ય ચાલી રહ્યું છે. તેમને આશા છે કે લિસા અન્ય લોકો સાથે સરળતાથી વાત કરી શકશે. લિસા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ જોવા મળશે. માર્ચ મહિનામાં ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા પહેલી એઆઇ ન્યુઝ ઍન્કર સોના રજૂ કરવામાં આવી હતી એ પણ અનેક ભાષા બોલી શકતી હતી.