15 September, 2025 12:31 PM IST | North Korea | Gujarati Mid-day Correspondent
સરકારે હાલનાં વર્ષોમાં નાગરિકોની સ્વતંત્રતા પર રોક લગાવી છે.
એન્ટરટેઇનમેન્ટના મામલે ભારતમાં જેટલી છૂટછાટ છે એટલી વિશ્વના તમામ દેશોમાં નથી હોતી. ઇન ફૅક્ટ, એક દેશ એવો પણ છે જ્યાં તમે સ્થાનિક ટીવી-શો કે ફિલ્મો જ જોઈ શકો છો. બીજા દેશોના ટીવી-શો કે ફિલ્મો જોવા પર માત્ર પ્રતિબંધ જ નથી, ફાંસી જેવી કડક સજા સંભળાવાય છે. આ દેશ છે નૉર્થ કોરિયા. વર્ષોથી સરમુખત્યારશાહી શાસન હેઠળ રહેલા નૉર્થ કોરિયામાં માનવાધિકારો પર પ્રતિબંધો છે. સંયુક્ત રાષ્ટ્રના નવા માનવાધિકાર રિપોર્ટમાં તાજેતરમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે હાલનાં વર્ષોમાં નાગરિકોની સ્વતંત્રતા પર રોક લગાવી છે. આ રિપોર્ટમાં ૩૦૦થી વધુ લોકો સાથે વાત કરવામાં આવી હતી જેઓ નૉર્થ કોરિયામાંથી ભાગી છૂટ્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશમાં દરેક નાગરિક પર એટલી કડક અને ચાંપતી નજર રાખવામાં આવે છે કે કોઈ જ પ્રકારની સ્વતંત્રતા મહેસૂસ નથી થતી. નિયમો અને કાયદાઓના ભંગ માટે નવી ટેક્નૉલૉજીઓ દ્વારા પહેલાં કરતાં પણ વધુ કડક સજાઓ થાય છે.