08 May, 2025 11:19 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
પાર્કિંગ ઝોન પાસે મોશન ઍક્ટિવિટી સેન્સર્સ
તમે ગમે એટલું લખ્યું હોય કે ઘરના ગેટ પાસે પાર્કિંગ કરવું નહીં, પરંતુ અમુક લોકો એ પછી પણ સૂચનાને ધરાર ગણકારતા નથી. ‘નો પાર્કિંગ’નું બોર્ડ માર્યા પછી પણ લોકો ‘થોડી વાર માટે જ પાર્ક કરું છું’ કહીને પાર્ક કરીને જતા રહે છે. ઑસ્ટ્રેલિયામાં એક માણસે આનો જબરો જુગાડ શોધી કાઢ્યો છે. તેણે ઘરની બહારના નો પાર્કિંગ ઝોન પાસે મોશન ઍક્ટિવિટી સેન્સર્સ લગાવી દીધાં છે. એ જગ્યાએ જેવું કોઈ પોતાની કાર કે ટેમ્પો આવીને પાર્કિંગ કરે અને દરવાજો ખોલીને એમાંથી બહાર આવવાની કોશિશ કરે કે તરત સામેનો ફુવારો ઍક્ટિવ થઈ જાય છે અને ડ્રાઇવરને ભીંજવી નાખે છે. ઑસ્ટ્રેલિયાના રૉકમ્પ્ટન શહેરમાં રહેતા ભાઈએ આ ટેક્નિક પોતાના ઘરની બહાર વાપરી છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવાની કોશિશ કરતા લોકોના કેવા હાલ થાય છે એ બતાવતી રીલ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.