મોંઘાં કપડાં અને મસ્ત મેકઅપ કરીને આ બહેન ઉકરડો ફંફોસે છે

08 May, 2025 10:37 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

કચરાપેટીમાં નાખેલી ચીજોમાંથી ૨૬ લાખ રૂપિયાની લક્ઝરી આઇટમો ભેગી કરી.

ઍરિયાના રૉડ્રિગુએઝ

કોઈ કહે કે તમે અમેરિકામાં કચરો વીણીને પણ લાખોપતિ થઈ શકો છો તો માન્યામાં આવે? ન જ આવે. જોકે અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં રહેતી ઍરિયાના રૉડ્રિગુએઝ નામની મહિલા કચરો વીણવાનું જ કામ કરે છે અને તેણે કચરામાંથી સારી-સારી ચીજો ફેંદીને કેટલીયે મોંઘી ચીજો એકઠી કરી છે. ઍરિયાનાએ આ કામ થોડા દિવસ પહેલાં જ શરૂ કર્યું છે. ફેસબુક પર કચરો ફેંદીને કીમતી ચીજો એકઠી કરતા લોકોનું એક ગ્રુપ જૉઇન કર્યા પછી તેને પણ આવું કરવાનું મન થયું અને હવે તેણે રોજ દિવસમાં બેથી ચાર કલાક માટે ઉકરડો ફેંદવાનું કામ જ શરૂ કરી દીધું છે. નવાઈની વાત એ છે કે આ કામ માટે ઘરેથી નીકળતી વખતે તે મોંઘાંદાટ બ્રૅન્ડેડ કપડાં અને મેકઅપ કરીને એવી રીતે નીકળે છે કે જાણે કૉર્પોરેટ ઑફિસમાં જઈ રહી હોય. સજીધજીને ઉકરડો ફંફોસતી ઍરિયાનાને જોઈને લોકોને નવાઈ લાગે છે. જોકે આ માટે તેનું કહેવું છે કે કચરામાંથી કંચન વીણવાનું કામ કંઈ નાનું નથી. આ કામને પણ લોકો નાનું ન માને એ માટે તે એને ગ્લૅમરસ અંદાજમાં કરવા માગે છે. પહેલાં તે રોડના કિનારે આવેલી નાની કચરાપેટીઓ ફંફોસતી હતી, પણ હવે મોટા-મોટા સ્ટોર્સની બહાર પડેલી કચરાપેટીઓને ફંફોસે છે. એમાં તેને એક વાર ૨૬ લાખ રૂપિયાનો સામાન મળ્યો હતો. ડિઝાઇનર કોટ, જૂતાં, પિયાનો અને બ્રૅન્ડેડ બૅગ મળી હતી. એમાંથી ઘણી ચીજો તે વાપરે છે તો કેટલીક ચીજો રીસેલ કરીને એમાંથી પૈસા ઉપજાવી લે છે. અમુક ચીજો તે ચર્ચની બહાર જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દે છે.

new york city new york fashion social media united states of america offbeat news