22 January, 2026 12:16 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
અચાનક ક્રાઇસિસની સિચુએશનમાં ડૉક્ટરોને આ હકીકતની ખબર પડી હતી અને એ પછી પણ તેમણે ઍન્જિયોપ્લાસ્ટી નામની હૃદયની રક્તવાહિનીઓનું બ્લૉકેજ ખોલવાની પ્રોસીજર સફળતાપૂર્વક કરી હતી.
નાગપુર જિલ્લાના સાવનેર ગામમાં રહેતા એક બહેનનું હૃદય ડાબી નહીં પણ જમણી બાજુએ છે એવી ખબર છેક ત્યારે પડી હતી જ્યારે તેમને ૭૦ વર્ષની ઉંમરે હાર્ટ-અટૅક આવ્યો હતો. હૃદયરોગના હુમલા પછી જ્યારે આ મહિલાને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે પ્રાથમિક તપાસમાં ડૉક્ટરોને ચકિત થવાનો વારો હતો. સામાન્ય રીતે હૃદય છાતીના પોલાણમાં ડાબી તરફ હોય, પરંતુ આ બહેનનું હૃદય છાતીની જમણી તરફ હતું. એમાં હૃદયની મુખ્ય નસમાં ૯૦ ટકા બ્લૉકેજ હતું અને દિલ જમણી તરફ હોવાને કારણે રક્તવાહિનીઓ સામાન્ય રીતે હોય એના કરતાં વિપરીત દિશામાં હતી. સામાન્ય રીતે ડાબી બાજુના હૃદયની ઍન્જિયોપ્લાસ્ટી કરવા ટેવાયેલા ડૉક્ટરો માટે પણ આ પહેલી વારનો અનુભવ હતો જેમાં હૃદય જમણી બાજુ હોવા ઉપરાંત રક્તવાહિનીઓની સાઇડ્સ પણ બદલાયેલી હતી. એમ છતાં ડૉક્ટરોની ટીમે આ જટિલ સર્જરી કરી સ્ટેન્ટ બેસાડીને મુખ્ય લોહીની નળીને ખોલી હતી. ૭૦ વર્ષની વય સુધી આ બહેનને ખબર જ નહોતી કે તેમનું હૃદય જમણે છે. અચાનક ક્રાઇસિસની સિચુએશનમાં ડૉક્ટરોને આ હકીકતની ખબર પડી હતી અને એ પછી પણ તેમણે ઍન્જિયોપ્લાસ્ટી નામની હૃદયની રક્તવાહિનીઓનું બ્લૉકેજ ખોલવાની પ્રોસીજર સફળતાપૂર્વક કરી હતી.