09 April, 2025 01:10 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
મૈસુરના ૪૫ વર્ષના ડી. કૃષ્ણકુમાર ૭૫ વર્ષનાં મમ્મીને લઈને સ્કૂટર પર દુનિયા દેખાડવા નીકળ્યા છે
એક તરફ લોકો ઘરડાં માબાપને તરછોડી દે છે ત્યારે મૈસુરના ૪૫ વર્ષના ડી. કૃષ્ણકુમાર ૭૫ વર્ષનાં મમ્મીને લઈને સ્કૂટર પર દુનિયા દેખાડવા નીકળ્યા છે. પપ્પાનું ૨૦૦૧માં લીધેલું બજાજ ચેતક સ્કૂટર લઈને કૃષ્ણકુમાર મમ્મી રત્નમ્માની સાથે લાંબી યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રાનું નામ તેમણે આપ્યું છે માતૃ સેવા સંકલ્પ યાત્રા. માત્ર એક બૅગ લઈને મા-દીકરો સ્કૂટર પર જીવનભરની યાત્રા કરવા નીકળી પડ્યાં છે. આ સિલસિલો શરૂ થયો છે ૨૦૧૮માં. કૃષ્ણકુમારે નોકરી છોડીને પોતાની બચતમાંથી થોડા પૈસા કાઢીને પપ્પાના બજાજ ચેતક સ્કૂટરને રિનોવેટ કરાવ્યું અને મમ્મીની સાથે ફરવા નીકળી પડ્યા. શરૂઆત કરી ત્યારે માત્ર ભારતમાં જ ફરવાની ઇચ્છા હતી, પણ જેમ-જેમ ફરતા ગયા એમ-એમ તેમને આડોશ-પાડોશના દેશોમાં જવાની ઇચ્છા થઈ. અત્યાર સુધીમાં આ પુરાણા સ્કૂટર પર મા-દીકરો લગભગ ૯૪,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી ચૂક્યાં છે. કેદારનાથથી કન્યાકુમારી અને ભુતાનના મઠોથી લઈને મ્યાનમારનાં જંગલોમાં તેઓ ફરી આવ્યાં છે. ભારત ઉપરાંત ત્રણ દેશોમાં તેઓ ફર્યાં છે. એ પણ કોઈ મોટા બજેટ કે પૈસા ખર્ચ્યા વિના. હોટેલમાં રોકાવાને બદલે તેઓ સાદી જગ્યાએ રહે છે. મંદિરો, ધર્મશાળા, બસ-સ્ટૉપ કે ગુરુદ્વારાઓમાં રાત ગુજારી છે અને ક્યારેક મંદિરોનો પ્રસાદ તો ક્યારેક લોકો જે પ્રેમથી આપે એ ખાઈ લે છે. થોડા સમય પહેલાં મા-દીકરો વિશાખાપટ્ટનમ પહોંચ્યાં હતાં. કૃષ્ણકુમાર બૅન્ગલોરમાં એક કૉર્પોરેટ કંપનીમાં કામ કરતો હતો, પણ અચાનક જ તેણે નોકરી છોડીને મમ્મીને ફરવા લઈ જવાનું કેમ નક્કી કર્યું એ વિશે તેનું કહેવું છે, ‘મારા પપ્પા દક્ષિણામૂર્તિ ૨૦૧૫માં ગુજરી ગયા ત્યાં સુધી મારી માએ ઘરની બહાર પગ જ નહોતો મૂક્યો. તેને આ દુનિયા કેટલી સુંદર છે એની ખબર જ નહોતી. બસ, એટલે જ મને થયું કે હવે હું મારી મમ્મીને દુનિયા ફેરવીશ, મારી ક્ષમતા મુજબ ફેરવીશ. નોકરી છોડીને જે કંઈ બચત હતી એ મમ્મીના બૅન્ક-અકાઉન્ટમાં ડિપોઝિટ કરી દીધી. મમ્મીના અકાઉન્ટમાંથી મળતા વ્યાજ અને મારી પાસે જે જૂની બચત હતી એમાંથી મારી જર્ની ચાલે છે. અમારી આ સફર વિશે સાંભળીને ઘણા લોકો ડોનેશન આપવા માગે છે, પણ અમે દાન નથી સ્વીકારતા. અમે મોંઘું ફૂડ પણ ખરીદતા નથી. માત્ર પ્રસાદ અને ફળો જ લઈએ છીએ અને એ પણ સીઝનલ અને સસ્તાં હોય એવાં જ.’
૨૦૧૮માં શરૂ થયેલી આ યાત્રામાં મા-દીકરો મજ્જેથી ભારતનાં તમામ રાજ્યો ફરી ચૂક્યાં છે. કોરોનાને કારણે વચ્ચે એક-બે વર્ષ માટે તેમની સફર પર બ્રેક લાગી હતી, પણ ફરીથી તેમણે સફર આરંભી દીધી અને અત્યાર સુધીમાં લગભગ ૯૪,૦૦૦ કિલોમીટર સ્કૂટર-સવારી કરી લીધી છે. ભારત ઉપરાંત ભુતાન, નેપાલ અને મ્યાનમારમાં તેઓ ફરી આવ્યાં છે.