બ્રિટનનાં ખેતરોમાં રાતોરાત ઊભા પાકમાં જાયન્ટ સર્કલ બની જાય છે, સ્થાનિક લોકોને પરગ્રહવાસીઓ પર શંકા છે

27 May, 2025 01:02 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

મે મહિનાથી ઑગસ્ટ મહિનાના ગાળામાં આ બને છે કેમ કે એ વખતે પાકનું ઘાસ ઊંચું હોય છે. ખેડૂતોને શંકા છે કે આ પરગ્રહવાસીઓનું કારનામું છે.

બ્રિટનના વિલ્ટશાયરમાં અનેક વાર ઊભા પાકમાં મોટી ડિઝાઇનો બની ગયેલી જોવા મળે છે.

બ્રિટનના વિલ્ટશાયરમાં અનેક વાર ઊભા પાકમાં મોટી ડિઝાઇનો બની ગયેલી જોવા મળે છે. સ્થાનિક લોકોમાં એ ક્રૉપ સર્કલ તરીકે જાણીતી ઘટના છે જે મોટા ભાગે જ્યારે પાક ઊભો તૈયાર થઈ જાય એ પછી જ આકાર લે છે. આકાશમાંથી જોઈએ તો એવું લાગે કે કોઈકે ખેતરોમાં ચોક્કસ આકારની ડિઝાઇન દોરી છે. કાઉન્ટી ક્રૉપ સર્કલ નામે જાણીતી આ ઘટના બ્રિટનમાં ૧૯૭૦ની સાલથી છાશવારે બનતી રહે છે, પણ આવાં જાયન્ટ સર્કલ કોણ બનાવી જાય છે અને ક્યારે બનાવી જાય છે એની ખબર નથી પડતી. ખેડૂતોનું કહેવું છે કે મોટા ભાગે અચાનક જ કોઈક રાતે પાકમાં જાણે રંગોળી પૂરી હોય એ પ્રકારની ડિઝાઇનો તૈયાર થઈ જાય છે. કોઈકે ઉપરથી ખાસ સાધનથી પાકનાં ડૂંડાંઓને દબાવી નાખ્યાં હોવાથી આવી ડિઝાઇન બને છે. આ વર્ષે વિલ્ટશાયરમાં અચાનક જ એક સવારે ખેતરોમાં જાયન્ટ જ્યોમેટ્રિકલ ડિઝાઇન્સ જોવા મળી હતી. આ વખતે મોટા સર્કલની અંદર ચાર કોણવાળા તારા જેવી પૅટર્ન છે. આ જ અરસામાં ૩૦ કિલોમીટરના વિસ્તારોમાં ઠેર-ઠેર આ પ્રકારનાં સર્કલ જોવા મળ્યાં છે અને આસપાસના કોઈને ખબર નથી કે આ કરામત કોણ કરી ગયું? ખેડૂતોને લાગે છે કે આ પરગ્રહવાસીઓ દ્વારા થતી ઘટના હોવી જોઈએ, કેમ કે મોટા ખેતરમાં અચાનક જ આવી ડિઝાઇન બની જવી એ કોઈ એકલ-દોકલ માણસનું કામ તો હોઈ જ ન શકે.  કેટલાંક સર્કલ તો ૧૦૦૦ ફુટ લાંબાં હોય છે અને એ બનવામાં જસ્ટ ગણતરીની મિનિટો જ લાગતી હોય છે. માત્ર બ્રિટનમાં જ નહીં; અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને જપાનમાં પણ આવાં ક્રૉપ સર્કલ જોવા મળે છે. ૨૦૦૫ની સાલમાં વિલ્ટશાયરમાં એક જ રાતમાં ૩૮૦ જેટલાં ક્રૉપ સર્કલ બની ગયાં હતાં. મે મહિનાથી ઑગસ્ટ મહિનાના ગાળામાં આ બને છે કેમ કે એ વખતે પાકનું ઘાસ ઊંચું હોય છે. ખેડૂતોને શંકા છે કે આ પરગ્રહવાસીઓનું કારનામું છે.

united kingdom interntaional news news social media world news offbeat news