07 November, 2025 02:04 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
અઢી કલાક સુધી મહેનત કર્યા પછી બીજી બે ટીનેજર્સનાં શબ પથ્થરોમાં ફસાયેલાં મળી આવ્યાં હતાં.
મધ્ય પ્રદેશના જબલપુરમાં નવમા ધોરણમાં ભણતી ૪ છોકરીઓ ઘરેથી ખોટું બોલીને પિકનિક મનાવવા ભદભદા ધોધ પર ફરવા નીકળી પડી. ઘરે કહેલું કે સ્કૂલમાં જઈએ છીએ, પરંતુ સ્કૂલને બદલે તેઓ જમતરા પાસે આવેલા ભદભદા ધોધ પર ફરવા ગઈ હતી. ત્યાં થોડીક વાર ચારેય છોકરીઓ સાથે ફરી. જોકે બે છોકરીઓને ધોધના બીજા ભાગમાં જવું હતું એટલે તેઓ ત્યાં ગઈ અને ખાસ્સી વારે પણ પેલી બે ફ્રેન્ડ્સ પાછી ન આવી અને સ્કૂલ છૂટવાનો સમય પણ થઈ ગયો હતો એટલે ઘરે શું કહેવું એની વિમાસણ સાથે ડરના માર્યા બીજી બે છોકરીઓ ઘરભેગી થઈ ગઈ હતી. જ્યારે પેલી બે ખોવાયેલી છોકરીઓ વિશે તેમના પેરન્ટ્સે શોધ ચલાવી ત્યારે આ બે છોકરીઓને પણ પૂછવામાં આવ્યું. એ વખતે પૂછપરછમાં તેમણે કહ્યું કે અમે ચારેય ભદભદા ધોધ ગઈ હતી, પણ તેમની ફ્રેન્ડ્સ ક્યાંય સુધી ન મળતાં તેઓ પાછી આવી ગઈ. બુધવારે વહેલી સવારે પોલીસે એ ધોધ પાસે શોધ ચલાવી. લગભગ અઢી કલાક સુધી મહેનત કર્યા પછી બીજી બે ટીનેજર્સનાં શબ પથ્થરોમાં ફસાયેલાં મળી આવ્યાં હતાં.