મહિલા તાંત્રિકે કહ્યું કે તારો પુત્ર સફેદ જીનનું બાળક છે એટલે મમ્મીએ બે વર્ષના દીકરાને નહેરમાં ફેંકી દીધો

14 May, 2025 02:09 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

પોલીસે આ કેસમાં મેધા અને મીતા ભાટિયાની ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે

મેધા લુકરા

હરિયાણાના ફરીદાબાદની સૈનિક કૉલોનીમાં રહેતી મેધા લુકરાએ રવિવારે સાંજે તેના બે વર્ષના પુત્રને આગરા નહેરમાં ફેંકી દીધો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે મેધાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ પગલું તેણે મહિલા-તાંત્રિક મીતા ભાટિયાના કહેવાથી ઉઠાવ્યું છે. તાંત્રિકે મેધાને કહ્યું હતું કે તારો પુત્ર સફેદ જીનનું બાળક છે અને એ તારા પરિવાર માટે ખતરો છે.

પોલીસે આ કેસમાં મેધા અને મીતા ભાટિયાની ધરપકડ કરી છે અને તેમની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મેધાના પતિ કપિલ લુકરાએ જણાવ્યું હતું કે ૧૬ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને ૧૪ વર્ષની દીકરી છે અને બે વર્ષનો દીકરો તન્મય ઉર્ફે રૌનિક છે. મેધાએ તાંત્રિક મીતા ભાટિયાના કહેવાથી તેના બે વર્ષના પુત્રની હત્યા કરી છે. પોલીસ-પ્રવક્તા યશપાલ સિંહે જણાવ્યું હતું કે બાળકને શોધવાની કોશિશ ચાલુ છે, પણ સોમવાર સાંજ સુધી તેની ભાળ મળી નહોતી.

offbeat news haryana national news india