29 April, 2026 02:49 PM IST | Florida | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફ્લૉરિડામાં નાદજા જોવાનોવિક નામની મહિલાએ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. તે પોતાના દીકરા કોસ્ટાના જન્મદિવસને ખાસ બનાવવા માગતી હતી. તેણે ફેસબુકના એક ગ્રુપમાં પોસ્ટ કરીને પૂછ્યું હતું, ‘શું કોઈ કૂલ કારવાળી વ્યક્તિ અમારા ઘર પાસેથી પસાર થઈ શકે છે?’
દીકરાને લમ્બોર્ગિની અને પૉર્શે કાર જોવી બહુ ગમતી હોવાથી માએ તેના જન્મદિવસે સરપ્રાઇઝ મળે એ હેતુથી સોશ્યલ મીડિયામાં જાહેરાત કરેલી. તેને હતું કે એક-બે જણ પણ જો આ વિનંતી માનીને તેના ઘર પાસેના રોડ પાસેથી પસાર થશે તોય પૂરતું છે. જોકે સોશ્યલ મીડિયાની વિનંતી એટલી વાઇરલ થઈ ગઈ કે નાદજાને ૧૦૦ જણનો પ્રતિભાવ મળ્યો. તેના ઘર પાસે સ્થાનિક પોલીસની મદદથી ૧૦ લક્ઝરી કારોની પરેડ નીકળી. આ ઇવેન્ટનો વિડિયો ટિકટૉક પર વાઇરલ થઈ ગયો અને બે કરોડથી વધુ વ્યુઝ મળ્યા. દીકરાની મમ્મીનું કહેવું હતું કે અજાણ્યા લોકોએ કરેલી આ ફેવર મને સતત યાદ અપાવશે કે દુનિયામાં હજીયે સારા લોકો છે.