ટ્રેનની બારીમાંથી મોબાઇલ ચોરવા ગયો, અંદર બેઠેલા લોકોએ હાથ પકડીને તેને ૯ કિલોમીટર સુધી બહાર લટકાવી રાખ્યો

13 July, 2026 02:04 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

ટ્રેનની બારીમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરનાર એક યુવકને મુસાફરોએ પકડી લીધો હતો. લોકોએ તેનો હાથ પકડી રાખતા તે લગભગ 9 કિલોમીટર સુધી ટ્રેનની બહાર લટકતો રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મોબાઈલ ચોર

બિહારના એક સ્ટેશન પર બારીમાંથી મોબાઇલ ખૂંચવી લેવાની ચાલાકી કરવાનું એક ચોરને ભારે પડી ગયું હતું. ટ્રેન જસ્ટ શરૂ થવાની હતી ત્યારે જ એક મોબાઇલ-ચોરે બારીમાં હાથ નાખ્યો હતો, પરંતુ બારી પાસે બેઠેલા પૅસેન્જરોએ સતર્કતા દાખવીને પેલાનો હાથ મોબાઇલ સુધી પહોંચ્યો એવો તરત જ પકડી લીધો હતો. બારીની બહાર ચોર હતો અને અંદરથી પૅસેન્જરોએ તેનો હાથ પકડી લીધો અને એ જ સમયે ટ્રેન ચાલુ થઈ ગઈ. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં યુવક બારીની બહાર લટકી રહ્યો છે. તે વિનવણી કરે છે કે મારો હાથ પ્લીઝ છોડી દો, પણ પૅસેન્જરો ટસના મસ નથી થતા. ખગડિયા સ્ટેશન પરની આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે લોકોએ આ ચોરને લગભગ આઠથી ૯ કિલોમીટર સુધી ટ્રેન સાથે લટકાવીને ખેંચ્યો હતો. અંદરથી પૅસેન્જરોએ તેનો વિડિયો પણ બનાવ્યો અને એમાં તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. ચોરે પોતાનું નામ છોટુ યાદવ અને પિતાનું નામ પંકજ યાદવ જણાવ્યું હતું. તે લખમીનિયા ગામનો હતો. તેણે બચાવમાં કહ્યું હતું કે તે તો પોતાના કોઈ સંબંધીને શોધી રહ્યો હતો. નજીકના બીજા સ્ટેશને પહોંચ્યા ત્યાં સુધી પૅસેન્જરોએ તેનો હાથ પકડી રાખ્યો હતો. આ ઘટના ૯ જુલાઈની રાતની છે. એ પછી ચોરને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

bihar indian railways offbeat news news social media viral post Crime News