મિસ થાઇલૅન્ડની સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકના મોંમાંથી નકલી દાંત બહાર આવી ગયા

28 March, 2026 01:30 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

કામોલવાન ચાનાગો નામની એક સ્પર્ધકને સ્ટેજ પર પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવી ત્યારે લોકોને ગ્રીટ કરવા માટે મોં ખોલતાં જ તેના નકલી દાંત છૂટા પડી ગયા હતા

સોશ્યલ મીડિયામાં પળ ખૂબ વાઇરલ થઈ ગઈ

સૌંદર્યસ્પર્ધામાં ઉમેદવારોએ માપીને બોલવાનું હોય, માપીને ચાલવાનું હોય અને પોતાની સુંદરતાનાં બેસ્ટ પાસાંને રજૂ કરવાનાં હોય. જોકે તાજેતરમાં થાઇલૅન્ડમાં ચાલી રહેલી એક બ્યુટી પેજન્ટમાં એક સ્પર્ધકનો જબરો ફિયાસ્કો થયો. કામોલવાન ચાનાગો નામની એક સ્પર્ધકને સ્ટેજ પર પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવી ત્યારે લોકોને ગ્રીટ કરવા માટે મોં ખોલતાં જ તેના નકલી દાંત છૂટા પડી ગયા હતા. સામે મુકાયેલા ડઝનબંધ કૅમેરામાં એ ઘટના કેદ થઈ ગઈ. જોકે કામોલવાને જે રીઍક્શન આપ્યું એ જરાય હડબડાટીવાળું નહોતું. તેણે બહુ સહજતાથી ચહેરાને કૅમેરાથી છુપાવવા માટે પીઠ ફેરવી લીધી અને હાથથી દાંતનું ચોકઠું ઠીક કરી લીધું. એ પછી જાણે કંઈ બન્યું નથી એમ તે સ્ટેજ પર પહેલાં જેવા જ આત્મવિશ્વાસ સાથે રૅમ્પ-વૉક કરીને ચાલીને પાછી જાય છે. નકલી દાંત નીકળી જવાની ઘટના સેંકડો કૅમેરામાં કેદ થઈ હોવાથી સોશ્યલ મીડિયામાં એ પળ ખૂબ વાઇરલ થઈ ગઈ. હાઈ-પ્રોફાઇલ સ્પર્ધાઓમાં સ્પર્ધકો પર કેવું પ્રેશર હોય છે અને તેમણે કેટલી પ્રેઝન્સ ઑફ માઇન્ડ રાખીને પરિસ્થિતિ હૅન્ડલ કરવી પડે છે એ આવી ઘટનાઓ પરથી સમજી શકાય છે. 

thailand fashion offbeat news international news world news