02 July, 2024 02:16 PM IST | London | Gujarati Mid-day Correspondent
માઇક્રો ગંજીફા
વેકેશનમાં સૌથી લોકપ્રિય ટાઇમપાસની પ્રવૃત્તિ હોય છે પાનાં. લંડનના એક ડિઝાઇનરે આ પાનાંમાં એવી ક્રીએટિવિટી વાપરી છે જેથી તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાઈ ગયું છે. રોબ હૅલિફૅક્સ નામના એન્જિનિયર-કમ-ડિઝાઇનરે નવા વર્ષના સંકલ્પ તરીકે સૌથી સ્મૉલેસ્ટ પ્લેઇંગ કાર્ડ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. તેણે પાંચ મિલીમીટર બાય ૩.૬ મિલીમીટરની સાઇઝનાં કાર્ડ બનાવ્યાં છે જેની સરખામણી એક જાડા અને લાંબા ચોખાના દાણા બરાબર છે. આપણે સામાન્ય રીતે જે પાનાં વાપરીએ છીએ એનાથી લગભગ ૨૫૦મા ભાગની એની સાઇઝ છે.
રેગ્યુલર કાર્ડ પ્રિન્ટર આટલું માઇક્રો પ્રિન્ટિંગ કરી શકે એમ નહોતું એટલે તેણે પ્રોફેશનલ પેઇન્ટર પાસે એક-એક કાર્ડ ખૂબ ચોકસાઈપૂર્વક પેઇન્ટ કરાવ્યું છે. જે જાડા પેપરમાંથી રેગ્યુલર કાર્ડ બને છે એના પર જ નાની સાઇઝમાં પેઇન્ટિંગ કરાવ્યું છે. આ સાઇઝનાં કાર્ડ કાપવામાં પણ ખૂબ કાળજી રાખવી પડે. અડધો મિલીમીટર પણ આમ-તેમ થાય તો કાર્ડ કપાઈ જાય. જોકે ખૂબ પ્રયોગ પછી રોબભાઈએ આવા માઇક્રો ગંજીફાની ૧૦૨ કૉપી તૈયાર કરી છે. એને કિકસ્ટાર્ટર વેબસાઇટ પર ૧૯ પાઉન્ડ એટલે કે ૨૦૦૦ રૂપિયામાં વેચીને તેણે પોતાની મહેનતના પૈસા ઊભા કરી લીધા છે. પ્લેઇંગ કાર્ડ્સનાં બાવન પત્તાં ઉપરાંત રૉબે બે જૉકર્સ અને બે બ્લૅક કાર્ડ્સ પણ રાખ્યાં છે.