મેક્સિકોના શહેરમાં ૪૫૩૫ કિલો ગ્વાકામોલ ચટણી બનાવવાનો રેકૉર્ડ

25 November, 2022 10:09 AM IST  |  Mexico City | Gujarati Mid-day Correspondent

૪૫૩૫ કિલો ચટણી બનાવવા માટે રવિવારે પેરિબાન શહેરમાં કુલ ૩૦૦ પુરુષ અને સ્ત્રીઓને ૩ કલાક ૩૦ મિનિટનો સમય લાગ્યો હતો.

મેક્સિકોના શહેરમાં ૪૫૩૫ કિલો ગ્વાકામોલ ચટણી બનાવવાનો રેકૉર્ડ

મેક્સિકોના રાજ્ય મિકોઆકેનમાંના એક શહેરે ૪૯૭૦ કિલો ચિપ્સ સાથે ખાવામાં આવતી એક પ્રકારની ચટણી જેને ગ્વાકામોલ તરીકે ઓળખવામાં આવે છે એ બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૪૫૩૫ કિલો ચટણી બનાવવા માટે રવિવારે પેરિબાન શહેરમાં કુલ ૩૦૦ પુરુષ અને સ્ત્રીઓને ૩ કલાક ૩૦ મિનિટનો સમય લાગ્યો હતો. આટલી વિશાળ માત્રામાં ગ્વાકામોલ બનાવવા માટે ૧૦ ટન જેટલા એવાકાડો નામના ફળનો ઉપયોગ થયો હતો, જે સ્થાનિક બગીચાઓમાં જ ઉગાડવામાં આવે છે. એમાં ડુંગળી, ટમેટાં, મરી અને લીંબુ નાખવામાં આવ્યાં હતાં.

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડના અધિકારીઓ પણ એ સમયે હાજર રહ્યા હતા. આ ગ્રુપે અગાઉનો ૩૭૮૮ કિલો ચટણીનો અગાઉનો રેકૉર્ડ તોડ્યો હતો, જે ૨૦૧૮ની ૬ એપ્રિલે નજીકના ટેન્સિટારોમાં બન્યો હતો. એ માટે ૩૫૦ લોકો જોડાયા હતા. એ પહેલાં ૨૦૧૭માં ૨૯૮૦ કિલોની આ પ્રકારની ચટણી બનાવવામાં આવી હતી, જેમાં ૮૧૫ લોકો જોડાયા હતા. આ નવો રેકૉર્ડ ૨૦૨૨ એવાકાડો એક્સ્પોનો એક ભાગ હતો, જે પેરિબાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ૧૫ નવેમ્બરે એક ટેસ્ટ રન દ્વારા ૧૦૦ કિલો ગ્વાકામોલ બનાવ્યું હતું. હાજર રહેલા લાકો ગ્વાકામોલ એટલે કે ચટણીના ટેસ્ટથી પ્રભાવિત થયા હતા. મિકોઆકેન રાજ્યમાં મોટા પ્રમાણમાં એવાકાડોનું ઉત્પાદન થાય છે.

offbeat news guinness book of world records mexico city mexico international news