26 December, 2023 10:18 AM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
સ્વિટ્ઝરલૅન્ડના જીનિવામાં ક્રિસમસ ઈવનિંગે લોકો સૅન્ટાની હૅટ પહેરીને આઠ ડિગ્રી પાણીમાં સ્વિમિંગ કરતા જોવા મળ્યા હતા.
સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે ત્યારે ઍથેન્સમાં લોકો શેરીમાં એકઠા થયા હતા. આકાશમાં તુક્કલ છોડી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જ્યારે બીજી બાજુ યુક્રેનના સૈનિકો ક્રિસમસની સાંજે મીણબત્તી સાથે દેખાયા હતા. યુક્રેનિયન સૈનિકોએ નવા કૅલેન્ડર મુજબ પહેલી ક્રિસમસની ઉજવણી કરી હતી, જ્યારે બેથલેહેમમાં ક્રિસમસની ઉજવણીમાં ઘણા ઓછા લોકો જોવા મળ્યા હતા, કારણ કે ઇઝરાયલ-હમાસના યુદ્ધનો આ ત્રીજો મહિનો ચાલી રહ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ખ્રિસ્તીઓ મીણબત્તી સાથે દેખાયા હતા. કેટલાક લોકો સૅન્ટાનાં કપડાંમાં જોવા મળ્યા હતા અને ચર્ચમાં ગયા હતા. ઇન્ડોનેશિયાના જકાર્તામાં લોકોએ એકઠા થઈને ગીત ગાયાં હતાં ત્યારે તેમના હાથમાં મીણબત્તી પણ જોવા મળી હતી. જાવા ટાપુ પર પણ આ રીતે લોકો એકઠા થયા હતા. એ સિવાય ફ્લૉરિડા તેમ જ સ્વિટ્ઝરલૅન્ડમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
ગ્રીસના ઍથેન્સમાં ક્રિસમસના ભાગરૂપે લોકોએ તુક્કલ ઉડાડી હતી.
રેતી અને ડુંગળીથી બનાવ્યો દુનિયાનો સૌથી મોટો સૅન્ટા ક્લૉઝ
રેત કલાકાર સુદર્શન પટનાઈકે ક્રિસમસ નિમિત્તે ‘એક છોડ ભેટ આપો, પૃથ્વીને હરિયાળી રાખો’ સંદેશ સાથે પુરીના બ્લુ ફ્લૅગ દરિયાઈ તટ પર ડુંગળીથી સૅન્ટા ક્લૉઝનનું રેત-આર્ટ બનાવ્યું છે. સુદર્શન પટનાઈકે જણાવ્યું કે ‘આ વિશાળ આર્ટ બનાવવામાં બે ટન ડુંગળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર વર્ષે ક્રિસમસ દરમ્યાન અમે પુરીના બ્લુ ફ્લૅગ સમુદ્રતટ પર કેટલીક અલગ મૂર્તિઓ બનાવવાના પ્રયાસ કરીએ છીએ. આ વખતે અમે સૅન્ટા ક્લૉઝનું જે આર્ટ બનાવ્યું છે એ ૧૦૦ ફુટ લાંબું, ૨૦ ફૂટ ઊંચું અને ૪૦ ફુટ પહોળું છે. આપણે તમામ લોકો જળવાયુ પરિવર્તનની અસરને જાણીએ છીએ, માટે આપણા માટે સંદેશ છે કે વધુ ને વધુ વૃક્ષ વાવો એ સમયની માગ છે. આ મૂર્તિઓ પૂરી કરવામાં ૮ કલાક લાગ્યા હતા.
દિલ્હીની સડક પર સાઇકલસવાર સૅન્ટા
ક્રિસમસના દિવસે ગઈ કાલે નવી દિલ્હીમાં ધુમ્મસવાળી શેરીમાંથી પસાર થતા સાઇક્લિસ્ટ સૅન્ટા ક્લૉઝે આકર્ષણ જમાવ્યું હતું.