✕

મેક્સિકોના નૅશનલ ગાર્ડ તરીકે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે ૮ ઇંચનો ચિહ્‍વાવા

06 October, 2026 03:25 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

તાલીમ પહેલાં તેની જબરી આળપંપાળ કરવામાં આવે છે અને મસ્ત કપડાં અને ગૉગલ્સ પહેરાવવામાં આવે છે

આ ડૉગીભાઈનું નામ છે કમાન્ડો

સૌથી ટચૂકડી ચિહ્‍વાવા પ્રજાતિનો એક ડૉગી હાલમાં મેક્સિકોની નૅશનલ ગાર્ડની ટીમમાં ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આ ડૉગીભાઈનું નામ છે કમાન્ડો. કદ છે માત્ર ૮ ઇંચ અને વજન છે ૭ કિલોગ્રામ. કમાન્ડોને સર્ચ ઍન્ડ રેસ્ક્યુ મિશનમાં કામ કરવા માટેની તાલીમ અપાઈ રહી છે. આ ટચૂકડા ડૉગીના નખરા પણ બહુ છે. તાલીમ પહેલાં તેની જબરી આળપંપાળ કરવામાં આવે છે અને મસ્ત કપડાં અને ગૉગલ્સ પહેરાવવામાં આવે છે. સામાન્ય રીતે નૅશનલ ગાર્ડ તરીકે જે શ્વાનોને તાલીમ આપવામાં આવે એ મોટા કદના અને ડરામણા હોય છે. આ વખતની ટીમમાં કુલ ૩૫૦ ડૉગીઝ તાલીમ લઈ રહ્યા છે જેમાં મોટા ભાગના જર્મન શેફર્ડ અને લૅબ્રડૉર ડૉગ્સ છે. જોકે ટચૂકડા કમાન્ડોને જે કામ માટે ટ્રેઇનિંગ અપાઈ રહી છે એ કદાચ બીજો કોઈ મોટો ડૉગ લઈ શકે એમ નથી. નાના કદનો લાભ લઈને એને નાની બખોલ જેવી જગ્યાઓમાં જઈને ચીજો પારખવાનું શીખવવામાં આવે છે. પૉલીસ-ડૉગ જેવું જૅકેટ, હેલ્મેટ અને કૅમેરા પહેરીને તેને ફિઝિકલી મજબૂત બનવા માટેની પણ આકરી તાલીમ આપવામાં આવે છે. આ કમાન્ડો પહેલાં એક વૃદ્ધ દંપતી સાથે રહેતો હતો, પણ દંપતી તેની પૂરતી કાળજી રાખી શકે એમ ન હોવાથી તેમણે એને રેસ્ક્યુ સેન્ટરમાં આપી દીધો હતો. રેસ્ક્યુ સેન્ટરમાં કમાન્ડોની આદતો અને ત્વરિત રિસ્પૉન્સ આપવાની આદત પારખીને એને નૅશનલ ગાર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. 

mexico mexico city offbeat news international news world news news