31 July, 2025 02:38 PM IST | Mangalore | Gujarati Mid-day Correspondent
ભરતનાટ્યમ કરી મૅન્ગલોરની યુવતીએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
મૅન્ગલોરની સેન્ટ ઍલોયસિસ યુનિવર્સિટીની રેમોના ઍવેટ પરેરા નામની બૅચલર ઑફ આર્ટ્સની વિદ્યાર્થિનીએ બે દિવસ પહેલાં સર્જનાત્મકતા અને સહનશીલતાનો સમન્વય થાય એવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે ૨૧ જુલાઈએ સવારે એક વીકમાં ૧૭૦ કલાક ભરતનાટ્યમ કરવાનું બીડું ઝડપ્યું હતું. આ સાહસ ૨૮ જુલાઈએ બપોરે પૂરું થયું. આ સાહસમાં તેણે કોઈ જ લાંબા આરામ વિના સ્ટેજ પર ભરતનાટ્યમ નૃત્ય પર્ફોર્મ કર્યું હતું. આ માટે તેણે દર ત્રણ કલાકે પંદર મિનિટનો નાનો બ્રેક લીધો હતો. ૭ દિવસમાં ૧૭૦ કલાક નૃત્ય કરીને તેણે ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.
રેમોનાએ ત્રણ વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું. વર્ષોના કઠોર અભ્યાસ અને સમર્પણભાવ બાદ ૨૦૧૯માં તેણે રંગમંચ પર પ્રવેશ કર્યો. એ વખતે તેણે તેનો પહેલો સોલો સ્ટેજ-પર્ફોર્મન્સ કર્યો હતો.