15 December, 2025 12:00 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
રાજેશ ઉર્ફે રાજુ નામના આ માણસની હવે ઉંમર ૬૦ વર્ષ છે અને તેણે ૧૯૮૬માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બે લોકો પર ઍસિડ ફેંક્યો હતો
મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં પોલીસે તાજેતરમાં ૩૭ વર્ષ જૂના ઍસિડ-અટૅકના કેસના આરોપીને ઝડપી લીધો છે. રાજેશ ઉર્ફે રાજુ નામના આ માણસની હવે ઉંમર ૬૦ વર્ષ છે અને તેણે ૧૯૮૬માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં બે લોકો પર ઍસિડ ફેંક્યો હતો. આ ઘટના પછી તેના પર કેસ ચાલ્યો. તેને ઍસિડ ફેંકીને બે માણસોનું જીવન બરબાદ કરવા માટે ગુનેગાર ઠેરવવામાં આવ્યો અને આજીવન કારાવાસની સજા થઈ. સજા દરમ્યાન એક વાર તે ટૂંકા ગાળા માટે પરોલ પર છૂટ્યો એ પછી ગાયબ થઈ ગયો હતો. થોડીક પોલીસની લાપરવાહી અને ગુનેગારની ચાલાકીને કારણે તે કદી પોલીસને હાથ લાગ્યો જ નહીં. મધ્ય પ્રદેશના એક ગાયત્રી મંદિરમાં સાધુ તરીકે રહેતી આ વ્યક્તિ વિશે પોલીસને બાતમી મળતાં પોલીસ ત્યાં છાપામારી માટે પહોંચી ગઈ હતી. શિવપુરીની ગાયત્રી શક્તિપીઠમાં વર્ષોથી તે સંત તરીકે રહીને પૂજા-પાઠ કરતો હતો. જ્યારે ભક્તોને એની ખબર પડી ત્યારે તેમને માન્યામાં ન આવ્યું, કેમ કે આ માણસને તેમણે વર્ષોથી ભગવાં વસ્ત્રોમાં જપમાળા કરતો જ જોયો હતો. જોકે હવે શાહજહાંપુરની પોલીસના કબજામાં આરોપી છે અને કારાવાસની સજામાંથી ભાગી છૂટવાનો એક વધારાનો કેસ તેના પર ચાલશે.