ફ્રાન્સમાં બેરોજગારી ભથ્થામાંથી ભાઈએ ફરારી કાર ખરીદી

18 February, 2026 02:16 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

પશ્ચિમના દેશોમાં રોજગાર ન હોય એવા લોકોને સરકાર તરફથી ઘર ચલાવવા માટે બેરોજગારી ભથ્થું મળે છે

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમના દેશોમાં રોજગાર ન હોય એવા લોકોને સરકાર તરફથી ઘર ચલાવવા માટે બેરોજગારી ભથ્થું મળે છે. આ સ્કીમનો ગેરલાભ લઈને ફ્રાન્સમાં એક ભાઈએ પોતાનો બંગલો અને ગાડી બનાવી લીધાં. તે ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે શહેરમાં ફરારી દોડાવી રહ્યો હતો. થોડા દિવસ પહેલાં ઓવરસ્પીડમાં દોડી રહેલી તેની ફરારી કારને સ્થાનિક પોલીસે રોકી ત્યારે આ ઘટના બહાર આવી હતી. ઓવરસ્પીડિંગ દરમ્યાન દંડ થયો તો ભાઈએ એ જ જૂની વાતનું રટણ કર્યું કે પોતે બેરોજગાર છે અને કોઈ દંડ ભરી શકે એમ નથી. જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે તેનો આખો પરિવાર ફ્રાન્સની સરકારને ચૂનો લગાવી રહ્યો છે. આ પરિવાર માત્ર કાગળ પર બેઘર હતો, પરંતુ તે મા અને બે ભાઈ-બહેનો સાથે મળીને રિયલ એસ્ટેટ કંપની ચલાવી રહ્યો હતો અને ધૂમ કમાણી કરતો હતો. વર્ષોથી તેનો આખો પરિવાર બેરોજગાર ભથ્થાપેટે કુલ ૩૦ કરોડ રૂપિયા સરકાર પાસેથી લૂંટી ચૂક્યો હતો. પોલીસે તેની સંપત્તિઓ પર છાપા મારીને આખા પરિવારની ધરપકડ કરી છે. ફ્રાન્સના કાયદા મુજબ લૂંટેલા પૈસા પરિવારે વ્યાજ સાથે ચૂકવવા પડશે.

offbeat news france international news world news