લેગો બ્રિક્સમાંથી પોતાના શહેરની પ્રતિકૃતિ બનાવી

26 March, 2023 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજારો લેગો બ્રિક્સમાંથી બનાવેલા તથા અનેક ચેસ્ટર કાઉન્સિલર્સ, કામદારો તેમ જ રોમન સૈનિકો પ્રદર્શિત કરતું આ ભવ્ય પ્રદર્શન ગયા વર્ષે નવેમ્બરથી ચેસ્ટરના નવા માર્કેટ હૉલમાં મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે

લેગો બ્રિક્સમાંથી પોતાના શહેરની પ્રતિકૃતિ બનાવી

બાળકોને રમવા માટે ઉપયોગમાં લેવાતી લેગો બ્રિક્સની મદદથી ૪૧ વર્ષના રિચર્ડ ટ્રોટરે નૉર્થ-વેસ્ટ ઇંગ્લૅન્ડમાં આવેલા તેના શહેર ચેસ્ટરના ઈસ્ટગેટ ક્લૉક, રોમન ઍમ્ફી થિયેટર અને એની પ્રખ્યાત સિટી વૉલ્સ જેવાં સીમાચિહ્‍નોની પ્રતિકૃતિ બનાવી હતી. આ પ્રતિકૃતિ બનાવવામાં તેને સેંકડો પાઉન્ડનો ખર્ચ થયો હતો અને એમાં આઠ વર્ષ લાગ્યાં હતાં. જોકે આજે શહેરની આ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે.

હજારો લેગો બ્રિક્સમાંથી બનાવેલા તથા અનેક ચેસ્ટર કાઉન્સિલર્સ, કામદારો તેમ જ રોમન સૈનિકો પ્રદર્શિત કરતું આ ભવ્ય પ્રદર્શન ગયા વર્ષે નવેમ્બરથી ચેસ્ટરના નવા માર્કેટ હૉલમાં મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

શરૂઆતમાં રિચર્ડે થોડી ઘણી લેગો બ્રિક્સનો ઉપયોગ કરીને પોતાની મોજ માટે થોડાં સેક્શન બનાવી એક સ્થાનિક આર્ટ શૉપમાં પ્રદર્શન માટે મૂક્યાં હતાં. તેની આ કૃતિથી પ્રભાવિત થઈને તેને મોટા પ્રદર્શન માટે વધુ પ્રતિકૃતિ બનાવવાની ઑફર કરવામાં આવી અને એ માટે જગ્યા પણ પૂરી પાડવામાં આવી. આ પ્રતિકૃતિ ખૂબ વખણાઈ અને એ ચેસ્ટર આઇકૉન તરીકે ઓળખાવા લાગ્યું. બાળપણથી જ લેગોના ચાહક રિચર્ડને શહેરની દુકાનો, ઇમારતો અને સીમાચિહ્‍‍નો બનાવવાનો જાણે શોખ થઈ ગયો હતો. તેનું કહેવું છે કે આટલી મહેનત પછી ફિનિશ્ડ પીસ જોઈને હું સાર્થકતા અનુભવું છું. 

offbeat news england