19 September, 2026 02:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી એવું કંઈ અમથું જ કહેવાતું નથી. ૨૦૨૫માં સ્ત્રી-સુરક્ષાના મામલે ભારતનાં ૩૧ શહેરોમાં દિલ્હીનો નંબર ૨૮મો હતો. એક વર્ષ પછી દિલ્હીમાં સ્ત્રીઓની હાલત કેટલી સુધરી છે એનો પ્રયોગ કરવા માટે એક કન્ટેન્ટ ક્રીએટર છોકરીના વેશમાં બે કલાક સુધી ફર્યો. તે સ્કૂટી ચલાવીને રોડ પર નીકળ્યો હતો. કોઈક બાઇક લઈને તેને ઓવરટેક કરતી વખતે ઘૂરીને જોતું રહ્યું તો કેટલાક રિક્ષાવાળાઓએ પણ તેનો પીછો કર્યો. સાઇકલચાલકે પણ તેને ઘૂરવાનું છોડ્યું નહીં. પેટ્રોલ પમ્પ પર તેને ઘૂરનારા લોકોની હાજરી હતી. તેના બે કલાકના પ્રયોગમાં કેટલીક જગ્યાએ કન્ટેન્ટ ક્રીએટરના દોસ્તોએ છૂપા વેશે વિડિયો પણ લીધા હતા. જોકે એક ઑટોવાળાને ખબર પડી ગઈ કે પાછળ કોઈ વિડિયો લઈ રહ્યું છે એટલે પીછો કરવાને બદલે આગળ નીકળી ગયો. વિડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેને વળી-વળીને જુએ છે, પીછો કરે છે અને સાઇડમાં સ્કૂટી રોકાઈ ત્યારે પણ બીજો એક બાઇકર ત્યાં આવીને ઊભો રહી ગયો છે.
દિલ્હીમાં ચોક્કસ કયા વિસ્તારોમાં આ પ્રયોગ કર્યો હતો એની સ્પષ્ટતા વિડિયોમાં નથી કરવામાં આવી, પરંતુ આ વિડિયો જોઈને લોકોનું કહેવું હતું કે હજીયે દિલ્હીની હાલતમાં કોઈ સુધારો થયો નથી.