✕

દિવાળીમાં મીઠાઈ મોકલવા માટે સોશ્યલ મીડિયા પર સરનામું આપ્યું, લોકોએ એટલા નકલી ઑર્ડર મોકલ્યા કે ઘર છોડીને ભાગી જ

14 October, 2026 03:04 PM IST  |  tamil nadu | Gujarati Mid-day Correspondent

૧.૭૦ લાખ રૂપિયાનું TV અને અન્ય મોંઘાં ઇલેક્ટ્રિક સાધનો કૅશ ઑન ડિલિવરી (COD) પર મોકલવા માંડ્યા હતા.

વીરમણિ

તામિલનાડુના મદુરાઈમાં રહેતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર વીરમણિને પોતાના ચાહકો પાસે દિવાળી દરમ્યાન ગિફ્ટની માગણી કરવી ભારે પડી ગઈ હતી. વીરમણિએ પહેલાં કેરલમ ફરવા જવા માટે પોતાના ચાહકો પાસે ૬૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. લોકોએ તેને પૈસા આપ્યા અને તેણે પ્રવાસના વિડિયો પણ મૂક્યા. ત્યાર બાદ તેણે ખુશ થઈને ચાહકો પાસે મીઠાઈનાં બૉક્સની માગણી કરી અને એ મોકલવા માટે પોતાનું સરનામું જાહેર કરી દીધું હતું. 

આ સરનામું મળતાં જ કેટલાંક તોફાની તત્ત્વોએ મજાક શરૂ કરી દીધી અને ૧.૭૦ લાખ રૂપિયાનું TV અને અન્ય મોંઘાં ઇલેક્ટ્રિક સાધનો કૅશ ઑન ડિલિવરી (COD) પર મોકલવા માંડ્યા હતા. ફૂડ-ડિલિવરી કંપનીઓ પણ ખાવાનું લઈને પહોંચવા લાગી. હદ ત્યારે થઈ જ્યારે કોઈકે ૭૦ કરોડ રૂપિયાનાં 
JCB  મશીન અને ટૅન્કરનો પણ નકલી ઑર્ડર કરી દીધો.

અધૂરામાં પૂરું, તેનો ફોન-નંબર પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો જેને કારણે લોકો તેને સતત ફોન કરીને હેરાન કરવા લાગ્યા. આખરે કંટાળીને વીરમણિએ પોતાનો નંબર બંધ કરી દીધો અને સતત આવતા પાર્સલ અને ડિલિવરી બૉયની પજવણીથી ત્રસ્ત થઈને પોતાનું ઘર છોડીને ભાગી જવું પડ્યું હતું. આ ચોંકાવનારી ઘટના સોશ્યલ મીડિયાના દુરુપયોગ વિશે અત્યંત ગંભીર ચેતવણી આપે છે જે આંખ ઉઘાડનારી છે.

offbeat news national news india tamil nadu social media