28 April, 2026 02:06 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
૪૨ વર્ષની મહિલાએ કર્યા ઠાકોરજી સાથે વિવાહ
મધ્ય પ્રદેશના ખડિયાહાર ગામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ૪૨ વર્ષનાં રેખા તોમર નામનાં બહેને વૈદિક રીતરિવાજ અને વિધિ સાથે શ્રી ઠાકોરજી મહારાજ સાથે લગ્ન કરી લીધાં હતાં. રેખા તોમર લાંબા સમયથી શ્રી ઠાકોરજીની ભક્તિમાં લીન થઈ ગયાં હતાં અને તેમણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો. આ જ ભાવના સાથે તેમણે ખડિયાહારમાં આવેલા પ્રાચીન મંદિરમાં વિરાજમાન શ્રી ઠાકોરજી મહારાજને પોતાનો દુલ્હો માનીને તેમની સાથે જ વિવાહ સંપન્ન કરી લીધા હતા. વિવાહ પારંપરિક હિન્દુ રીતરિવાજ મુજબ થયા હતા. મંદિરના પૂજારીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે રસમો કરાવી હતી અને રેખાના ભાઈએ કન્યાદાનની વિધિ કરી હતી. લગ્નસમારોહમાં આખું ગામ સહભાગી બન્યું હતું. લગ્ન સમયે ભજન-કીર્તન અને રાધે-રાધેના જયકારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.