01 June, 2025 01:42 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
બાળકની ગરદનના પાછળના ભાગમાં આઠ સેન્ટિમીટર લાંબો લોખંડનો ખીલો ઘૂસી ગયો હતો
ઉત્તર પ્રદેશના લખનઉની કિંગ જ્યૉર્જ મેડિકલ યુનિવર્સિટીના ટ્રૉમા સેન્ટરમાં ડૉક્ટરોની એક ટીમે ખૂબ જ ક્રિટિકલ કહેવાય એવી સર્જરી કરીને સાત વર્ષના બાળકનું જીવન બચાવ્યું હતું. વાત એમ છે કે આ હૉસ્પિટલમાં નવાજપુર ગામથી સાત વર્ષના એક બાળકને અત્યંત ગંભીર સ્થિતિમાં લાવવામાં આવ્યું હતું. બાળક રમતું હતું ત્યારે રમતાં-રમતાં નીચે પડ્યું હતું એ વખતે નીચે પડેલો ખીલો તેની ગરદનમાં ઘૂસી ગયો હતો. ગરદનની નસોને ચીરીને ખીલો મગજના અત્યંત સંવેદનશીલ ભાગ સુધી પહોંચી ગયો હતો. બાળકની ગરદનના પાછળના ભાગમાં આઠ સેન્ટિમીટર લાંબો લોખંડનો ખીલો ઘૂસી ગયો હતો જે સીધો મગજ સુધી પહોંચ્યો હતો. જો આ ખીલો કાઢવામાં તસુભાર પણ ગરબડ થાય તો બાળકનું મગજ ડૅમેજ થઈ શકે એમ હતું. જોકે હૉસ્પિટલના નિષ્ણાતોની ટીમે જટિલ સર્જરી કરીને ખીલો કાઢ્યો હતો. આ સર્જરી મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ છે.