બૅન્ગકૉકના સફારી વર્લ્ડમાં સિંહોએ કૅરટેકરને ફાડી ખાધો, પર્યટકો જોતા રહ્યા

12 September, 2025 01:21 PM IST  |  Bangkok | Gujarati Mid-day Correspondent

કૅરટેકરે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતાં ત્યાંના સિંહોએ તેના પર હુમલો કરી દીધો હતો

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

૧૦ સપ્ટેમ્બરે બૅન્ગકૉકના સફારી વર્લ્ડ ઝૂમાં એક અનુભવી કૅરટેકરે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતાં ત્યાંના સિંહોએ તેના પર હુમલો કરી દીધો હતો. ૫૮ વર્ષના જિયાન રંગખારસામી નામના વીસ વર્ષના અનુભવી કૅરટેકરની એક નાની ભૂલે તેમનો જીવ લીધો. તેઓ જ્યારે સિંહો ખાઈ રહ્યા હતા ત્યારે ભૂલથી તેમના વાડામાં જતા રહ્યા હતા. એ વખતે અનેક પર્યટકો પણ ત્યાં હતા. જ્યારે જિયાનભાઈ વાડામાં ગયા ત્યારે એક સિંહનું મગજ ઠનકેલું હતું એટલે એણે જિયાન પર પાછળથી હુમલો કરીને પાડી દીધો. શરૂઆતમાં તો દર્શકોને લાગ્યું કે કૅરટૅકર સાથે સિંહને દોસ્તી હોવાથી તેમની વચ્ચે લાડપ્રેમ ચાલી રહ્યાં હશે; પણ ના, ગુસ્સામાં એ સિંહે જિયાન પર હુમલો કરી દીધો હતો. એ જોઈને વાડામાં જે બીજા સિંહો હતા તેઓ પણ કૅરટૅકર પર તૂટી પડ્યા હતા. લગભગ ૧૫ મિનિટ સુધી આ તમાશો ચાલ્યો. દર્શકોએ સિંહોનું ધ્યાન ભટકાવવા માટે હૉર્ન વગાડ્યા, ચીસો પાડી; પરંતુ કંઈ ફાયદો ન થયો. ઝૂના અધિકારીઓ લગભગ ૧૫ મિનિટ પછી સિંહોને પાછા ખદેડીને જિયાનને બહાર લાવવામાં સફળ રહ્યા હતા. તરત જ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. 

offbeat news international news world news bangkok wildlife