ખેતરમાં કામ પર નહોતું જવું એટલે AIથી બનાવેલા વાઘની મદદ લીધી

09 September, 2026 10:10 AM IST  |  Koppal | Gujarati Mid-day Correspondent

વનવિભાગની ટુકડીએ જ્યારે ફોટો ઝીણવટપૂર્વક તપાસ્યો ત્યારે તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું

વાઘનો નકલી ફોટો બનાવનાર યુવાન પાસેથી પોલીસે કાન પકડાવ્યા

કર્ણાટકના કોપ્પલ જિલ્લાના કાવલી ગામના એક યુવકે ખેતરમાં કરવાની થતી મજૂરીનું કામ ટાળવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો એવો ખતરનાક અખતરો કરી નાખ્યો કે આખું ગામ અને વનવિભાગ દોડતાં થઈ ગયાં.

ઘરવાળાએ ખેતરે જવાનું કહેતાં જ યુવકે મગજ દોડાવ્યું. તેણે પોતાના ખેતર પાસે આવેલા પહાડનો ફોટો પાડ્યો અને AI ટૂલનો ઉપયોગ કરીને પહાડ પર અસલી દેખાય એવો વાઘ બેસાડી દીધો. તેણે આ એડિટ કરેલો ફોટો પરિવારને બતાવીને કહ્યું કે જુઓ ખેતર પાસે વાઘ આવ્યો છે એટલે આજે ખેતરે જવાય એમ નથી. ડરી ગયેલા પરિવારે તેને ઘરે જ રહેવા કહ્યું.

જોકે વાત આટલેથી જ ન અટકી. સોશ્યલ મીડિયા પર પણ હોબાળો મચી ગયો, કારણ કે યુવકે એડિટ કરેલો આ વાઘનો ફોટો સોશ્યલ મીડિયા પર પણ પોસ્ટ કરી દીધો હતો. બસ, પછી તો શું. ગામમાં વાઘ આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં જ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો અને ગ્રામજનોએ તાત્કાલિક વનવિભાગને આની જાણ કરી.

વનવિભાગની ટુકડીએ જ્યારે ફોટો ઝીણવટપૂર્વક તપાસ્યો ત્યારે તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું. ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે ફોટો ફેક અને AI નિર્મિત છે. પોલીસે અને વનવિભાગે તરત જ યુવકની ધરપકડ કરી અને તેને એ જ પહાડ પર લઈ ગયા જ્યાં તેણે વાઘ બેસાડ્યો હતો.

વનવિભાગે કૅમેરા સામે જ યુવક પાસે પોતાની ફેક AI કરામતની કબૂલાત કરાવી અને ખોટી ભયજનક અફવા ફેલાવવા બદલ શિક્ષારૂપે આ આળસુ યુવક પાસે ૫૦ ઊઠબેસ કરાવી. 

karnataka ai artificial intelligence offbeat news national news news